Akhand Shakti Trishul Ambaji: ગુજરાતના જગપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં શક્તિ ઉપાસનાના એક નવા અધ્યાયની શરૂઆત થવા જઈ રહી છે. ઉત્તરકાશીની 1500 વર્ષ જૂની પવિત્ર શક્તિ પરંપરાને જીવંત રાખવા માટે અંબાજીના સુપ્રસિદ્ધ ત્રિશૂલિયા ઘાટ પર 16 ફૂટ ઊંચું અને 600 કિલો વજન ધરાવતું ભવ્ય “અખંડ શક્તિ ત્રિશૂલ” સ્થાપિત કરવામાં આવશે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને અમદાવાદના જય ભોલે ગ્રુપના સંયુક્ત સહયોગથી આ ભવ્ય આયોજન સાકાર થઈ રહ્યું છે.
17 જાન્યુઆરીએ અમદાવાદમાં થશે લોકાર્પણ
બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને Ambaji ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના હસ્તે આગામી 17 જાન્યુઆરી 2026 રોજ આ દિવ્ય ત્રિશૂલને અમદાવાદમાં ભક્તોના દર્શનાર્થે ખુલ્લું મૂકવામાં આવશે. આ ત્રિશૂલ ઉત્તરકાશીમાં સ્થિત આદ્યશક્તિના પવિત્ર ત્રિશૂલની આબેહૂબ પ્રતિકૃતિ છે.
દર્શન માટેનો સમય અને સ્થળ
અમદાવાદના વટવા GIDC વિસ્તારમાં આગામી 18 થી 21 જાન્યુઆરી દરમિયાન બપોરે 3:૦૦ થી રાત્રે 8:૦૦ વાગ્યા સુધી ભક્તો આ ૬૦૦ કિલોના અખંડ ત્રિશૂલના દર્શન અને વંદન કરી શકશે. ત્યારબાદ સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે તેને Ambajiના પવિત્ર ત્રિશૂલિયા ઘાટ પર કાયમી ધોરણે સ્થાપિત કરવામાં આવશે.
આધ્યાત્મિક મહત્વ: નિર્ભયતાનું પ્રતીક
પૌરાણિક માન્યતા મુજબ, ભગવાન શિવે માતા જગદંબાને મહિષાસુરના સંહાર માટે જે ત્રિશૂલ અર્પણ કર્યું હતું, આ તે શક્તિનું પ્રતીક છે. ત્રિશૂલિયા ઘાટ પર આ સ્થાપના કરવાનો મુખ્ય હેતુ યાત્રાળુઓમાં આત્મવિશ્વાસ, આસ્થા અને નિર્ભયતાની ભાવના જગાડવાનો છે.
