MCX Gold Silver Crash Price : વાયદા બજાર એટલે કે MCXમાં સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. ગત ટ્રેડિંગ સેશન દરમિયાન બંને કિંમતી ધાતુઓમાં શરૂઆતથી જ દબાણ જોવા મળ્યું અને એક તબક્કે ભાવમાં મોટો ઘટાડો નોંધાયો હતો. જોકે, દિવસના અંતિમ તબક્કામાં નીચલા સ્તરેથી ખરીદી આવતા સોના-ચાંદીના ભાવમાં થોડી રિકવરી જોવા મળી હતી. તેમ છતાં બંને ધાતુઓ ઘટાડા સાથે બંધ થયા હતા.
સોનામાં એક સમયે ₹4,500થી વધુનો કડાકો
MCX પર 5 ઓક્ટોબર 2026ના સોનાના(Gold Silver) વાયદાની વાત કરીએ તો સોનું ₹1,57,075ના સ્તરે ખુલ્યું હતું. ત્યારબાદ વેચવાલી વધતા ભાવ ગગડીને દિવસની નીચી સપાટી ₹1,51,262 સુધી પહોંચી ગયા હતા. એટલે કે એક તબક્કે સોનામાં ઓપનિંગ ભાવની સરખામણીએ ₹4,513નો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, બાદમાં ભાવમાં સુધારો થયો અને સોનું નીચલા સ્તરેથી ઉપર આવ્યું હતું. અંતે સોનું ₹3,008 એટલે કે 1.93 ટકા ઘટીને ₹1,52,767ના સ્તરે બંધ થયું હતું.
ચાંદીમાં પણ ₹7,777 સુધીનો ઘટાડો
ચાંદીના(Gold Silver) 4 ડિસેમ્બર 2026ના વાયદામાં પણ ભારે વેચવાલી જોવા મળી હતી. ચાંદી ₹2,41,106ના ભાવે ઓપન થયા બાદ ગગડીને ₹2,34,572ની નીચી સપાટી સુધી પહોંચી હતી. આમ, એક તબક્કે ચાંદીમાં ₹7,777નો મોટો ઘટાડો નોંધાયો હતો. બાદમાં ચાંદીના ભાવમાં પણ નીચલા સ્તરેથી રિકવરી આવી હતી. દિવસના અંતે ચાંદી ₹4,691 એટલે કે 1.94 ટકા ઘટીને ₹2,37,658 પ્રતિ કિલોગ્રામના સ્તરે બંધ થઈ હતી.
ભાવમાં ઘટાડા પાછળ શું કારણ?
સોના-ચાંદીમાં(Gold Silver) આ ઘટાડા પાછળ મજબૂત અમેરિકન ડૉલર, બોન્ડ યીલ્ડમાં વધારો અને ઊંચા સ્તરે પ્રોફિટ બુકિંગ જેવા પરિબળોને મુખ્ય કારણ માનવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત અમેરિકન ફેડરલ રિઝર્વના વ્યાજદર અંગેના મિશ્ર સંકેતોને કારણે પણ રોકાણકારોમાં અનિશ્ચિતતા જોવા મળી હતી. છેલ્લા કેટલાક સમયથી કિંમતી ધાતુઓમાં આવેલી તેજી બાદ રોકાણકારોએ નફો બુક કરવાનું શરૂ કરતાં વેચવાલી વધી હતી, જેના કારણે સોના અને ચાંદી બંને પર દબાણ જોવા મળ્યું હતું.
