Rajkot News/ જસદણમાં જૂના બસ સ્ટેશન પાસે બે જૂથો વચ્ચે ભીષણ ધીંગાણું, લાકડીઓ ઉછળતા મચી નાસભાગ

Jasdanના જૂના બસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ખોડિયાર હોટલ પાસે બે જૂથો વચ્ચે ભીષણ અથડામણ. લાકડીઓ વડે હુમલો કરતો વીડિયો વાયરલ થતા પોલીસ હરકતમાં આવી.

Gujarat Top Stories Rajkot
Jasdan Group Clash Video Viral

Jasdan Group Clash Video Viral: રાજકોટ જિલ્લાના જસદણ શહેરમાંથી કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાડતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના સૌથી ભીડભાડવાળા અને હાર્દ સમાન ગણાતા જૂના બસ સ્ટેશન વિસ્તારમાં ધોળે દિવસે બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી. કોઈ સામાન્ય બાબતે શરૂ થયેલી બોલાચાલીએ જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે સમગ્ર બજારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Jasdan:  છૂટ્ટા હાથની મારામારી અને લાકડીઓ ઉછળી 

પ્રાપ્ત વિગતો અનુસાર, જસદણના જૂના બસ સ્ટેશન નજીક આવેલી ખોડિયાર હોટલ પાસે બે પક્ષના લોકો કોઈ અગમ્ય કારણોસર સામસામે આવી ગયા હતા. શરૂઆતમાં બંને જૂથો વચ્ચે ઉગ્ર શાબ્દિક ટપાટપી થઈ હતી, પરંતુ ગણતરીની મિનિટોમાં જ આ ઝઘડો હિંસક મારામારીમાં ફેરવાઈ ગયો હતો. મામલો એટલો બિચક્યો કે લોકો એકબીજા પર છૂટ્ટા હાથે તૂટી પડ્યા હતા અને ત્યારબાદ ખુલ્લેઆમ લાકડીઓ ઉછળવા લાગી હતી.

વાહનચાલકો અને વેપારીઓમાં ફફડાટ

જાહેર માર્ગ પર થઈ રહેલી આ બઘડાટીને કારણે આસપાસના વેપારીઓ અને ત્યાંથી પસાર થતા વાહનચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. બજારમાં લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને ડરના માર્યા લોકો આમતેમ ભાગવા લાગ્યા હતા.

મારમારીનો વીડિયો વાયરલ

આ સમગ્ર ઘટનાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેટલાક શખ્સો કાયદાનો કોઈ જ ડર રાખ્યા વિના એકબીજા પર લાકડીઓ વડે નિર્દયતાથી હુમલો કરી રહ્યા છે.

શહેરમાં શાંતિ ડહોળતા આ વાયરલ વીડિયો બાદ જસદણની સ્થાનિક પોલીસ તાત્કાલિક હરકતમાં આવી છે. પોલીસે આ વીડિયોના આધારે મારામારી કરનારા અસામાજિક તત્વોની ઓળખ કરવાની કવાયત તેજ કરી છે. આ ધીંગાણું કયા કારણોસર થયું છે, તે અંગે ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે. જાહેરમાં દાદાગીરી કરનારા શખ્સો સામે દાખલારૂપ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી પોલીસ સૂત્રો દ્વારા આપવામાં આવી છે.


આ પણ વાંચો: રાજકોટમાં SOGનો સપાટોઃ જસદણમાંથી 108 કિલો ગાંજો ઝડપાયો, ત્રણની ધરપકડ

આ પણ વાંચો: જસદણ ભાજપ ઉપપ્રમુખ છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા

આ પણ વાંચો: જસદણમાં દેહવ્યાપારનો પર્દાફાશ: અમર ગેસ્ટ હાઉસમાંથી સંચાલક સહિત 3 ઝડપાયા