Ahmedabad News: અમદાવાદ શહેરમાં AMCના અધિકારીઓના નામે સેટલમેન્ટ કરાવી આપવાના બહાને લાખો રૂપિયાની લાંચ માંગવાના (AMC Bribery Case) કેસમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ પતિ-પત્નીને ઝડપી પાડ્યા છે. આરોપી શિલ્પા આહીર અને વિજય આહીરને સોનીની ચાલી ચાર રસ્તા પાસે ફરિયાદી પાસેથી રૂ. 3.15 લાખની લાંચ સ્વીકારતા ઝડપી પાડવામાં આવ્યા હોવાનું ACBની કાર્યવાહીમાં સામે આવ્યું છે.
AMC Bribery Case: AMCની નોટિસને બનાવ્યો દબાણનો આધાર
ફરિયાદી દ્વારા પોતાના મકાનના પ્રથમ માળે પતરાની છત દૂર કરીને પાકું બાંધકામ કરવામાં આવ્યું હતું. આ બાંધકામને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોન તરફથી ફરિયાદીને બે નોટિસ આપવામાં આવી હતી.આ નોટિસનો આધાર લઈને આરોપી શિલ્પા આહીર અને તેમના પતિ વિજય આહીરે ફરિયાદીનો સંપર્ક કર્યો હતો અને AMCના અધિકારીઓ સાથે મામલો સેટલ કરાવી દેવાની ખાતરી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
AMC અધિકારીઓના નામે રૂ.3 લાખની માંગણી
ફરિયાદ મુજબ, આરોપીઓએ બાંધકામ તોડવાની કાર્યવાહી અટકાવવા AMCના અધિકારીઓના નામે રૂ. 3 લાખની માંગણી કરી હતી. આ ઉપરાંત શિલ્પા આહીર માટે અલગથી રૂ. 25 હજારની માંગણી કરવામાં આવી હતી. આ રીતે કુલ રૂ. 3.25 લાખની લાંચની માંગણી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ફરિયાદ મુજબ, આરોપી શિલ્પા આહીર અગાઉ રૂ. 10 હજાર મેળવી ચૂકી હતી અને બાકીના રૂ. 3.15 લાખ માટે ફરિયાદી પર દબાણ કરવામાં આવતું હતું.
લાંચ આપવા બદલે ફરિયાદીએ ACBનો સંપર્ક કર્યો
ફરિયાદી લાંચની રકમ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કરીને સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદની પ્રાથમિક ચકાસણી બાદ ACBએ આરોપીઓને રંગેહાથ ઝડપી પાડવા માટે ટ્રેપ ગોઠવવાનું આયોજન કર્યું હતું.
વેગનઆર કારમાં લાંચ સ્વીકારતા બંને ઝડપાયા
19 ઓગસ્ટના રોજ ACBની ટીમે સોનીની ચાલી ચાર રસ્તા ( Soni Ni Chali ACB Trap) નજીક જાહેર રોડ પર છટકું (ACB Trap) ગોઠવ્યું હતું. આરોપી શિલ્પા આહીર અને વિજય આહીર પોતાની વેગનઆર કારમાં ફરિયાદી પાસેથી રૂ. 3.15 લાખની લાંચ સ્વીકારતા હોવાનું સામે આવતા ACBની ટીમે બંનેને ઝડપી પાડ્યા હતા. ACBએ લાંચની રકમ કબજે લઈને બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
‘પત્રકાર’ના નામે બ્લેકમેઇલિંગનો પણ તપાસમાં સમાવેશ
આરોપીઓ પત્રકાર તરીકેની ઓળખનો (Fake Journalist Arrest) ઉપયોગ કરીને લોકો પર દબાણ લાવતા હતા કે નહીં અને અગાઉ અન્ય લોકો પાસેથી પણ આ પ્રકારની રકમ વસૂલવામાં આવી હતી કે નહીં તે દિશામાં ACB દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસમાં એ બાબત પણ ચકાસવામાં આવશે કે આરોપીઓએ AMCના કયા અધિકારીઓના નામનો ઉપયોગ કર્યો હતો અને અધિકારીઓ સાથે કોઈ વાસ્તવિક સંડોવણી હતી કે પછી માત્ર તેમના નામે લોકો પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કરવામાં આવતો હતો.
ACBની તપાસમાં વધુ ખુલાસાની શક્યતા
હાલ બંને આરોપીઓ સામે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. ACB હવે આરોપીઓના સંપર્કો, અગાઉની સંભવિત ફરિયાદો અને AMC અધિકારીઓના નામે કરવામાં આવેલી કથિત ઉઘરાણી અંગે તપાસ કરશે. તપાસ પૂર્ણ થયા બાદ આ કેસમાં વધુ વિગતો અને અન્ય સંભવિત સંડોવાયેલા લોકો અંગે ખુલાસા થવાની શક્યતા છે.
આ પણ વાંચો: ભરૂચમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે અધિકારી 40 હજારની લાંચ લેતા ઝડપાયા
આ પણ વાંચો: સરકારી કચેરીમાં ક્યાં અને કેટલી લાંચ? ભારતીય વિદ્યાર્થીની Bribes.fyi વેબસાઇટ ખોલશે ભ્રષ્ટાચારની પોલ
આ પણ વાંચો: 1 કરોડની લાંચના આરોપમાં ઘેરાયેલા IPS રાહુલ બંસલ ફરી ચર્ચામાં આવ્યા
