AMC Seal Das Khaman: ઉત્તરાયણના તહેવાર પૂર્વે અમદાવાદીઓના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે AMC એ કમર કસી છે. આજે વહેલી સવારથી જ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગની અલગ-અલગ ટીમોએ શહેરભરના ખાદ્ય એકમો પર તવાઈ બોલાવી ચેકિંગનો ધમધમાટ તેજ કર્યો હતો. આજે તપાસ દરમિયાન નિકોલ વિસ્તારમાં આવેલી પ્રખ્યાત ફૂડ ચેઈન ‘દાસ ખમણ’ (Das Khaman) ના એકમમાં ગંભીર બેદરકારી સામે આવતા તંત્રએ તેને તાત્કાલિક અસરથી સીલ કરી દીધું છે.
ગંદકી અને અખાદ્ય પદાર્થોનો જથ્થો ઝડપાયો
મળતી માહિતી મુજબ, AMC ની ટીમે જ્યારે નિકોલ સ્થિત દાસ ખમણના એકમ પર દરોડો પાડ્યો ત્યારે અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ખમણ બનાવવાની જગ્યાએ પૂરતી સાફ-સફાઈનો અભાવ હતો અને ચારેતરફ ગંદકી જોવા મળી હતી. એટલું જ નહીં, તપાસ દરમિયાન માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય તેવા અખાદ્ય પદાર્થો પણ મળી આવ્યા હતા. હાઇજેનિક ધોરણોનું પાલન ન થતું હોવાના કારણે કડક કાર્યવાહીના ભાગરૂપે આ એકમને સીલ મારવામાં આવ્યું છે.
લોકોના આરોગ્ય સાથે ચેડાં નહીં ચલાવી લેવાય: AMC
ઉત્તરાયણના પર્વ પર અમદાવાદમાં ચિક્કી, જલેબી અને ઊંધિયું જેવી વાનગીઓની ભારે માંગ હોય છે. આ તકનો લાભ ઉઠાવી કેટલાક વેપારીઓ હલકી ગુણવત્તાનો સામાન ન પધરાવે તે માટે AMC એ શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને ઝોનમાં તપાસ તેજ કરી છે. આગામી દિવસોમાં પણ મીઠાઈ અને ફરસાણના અન્ય એકમો પર ચેકિંગ ચાલુ રહેશે તેવા સંકેતો આરોગ્ય વિભાગે આપ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદમાં 35 સ્કૂલો સીલ: હજારો બાળકોનું ભણતર અટવાયું, વાલીઓ મૂંઝવણમાં
આ પણ વાંચો:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં BU વગરની નવ હોસ્પિટલ સીલ
આ પણ વાંચો:BU વગર ચાલતી ફેક્ટરીઓને સીલ મારોઃ મ્યુનિ. કમિશ્નરનો આદેશ
