Gandhinagar Typhoid Outbreak 2026: ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં રોગચાળો વકરતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં Typhoidના નવા 6 કેસ નોંધાયા છે, જેને પગલે અત્યાર સુધીમાં કુલ કેસોની સંખ્યા 218 પર પહોંચી ગઈ છે. દૂષિત પાણીના કારણે ફેલાયેલા આ રોગચાળાને પગલે હોસ્પિટલોમાં દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે.
તંત્રની તપાસમાં 136 સેમ્પલ ફેઈલ
ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. પાલિકાને શહેરમાં પાણીની લાઈનોમાં 58 જેટલા લિકેજ મળી આવ્યા છે. અત્યાર સુધી લેવામાં આવેલા 6,066 પાણીના સેમ્પલમાંથી 136 સેમ્પલ ફેઈલ સાબિત થયા છે, જે દૂષિત પાણી પુરવઠાની પુષ્ટિ કરે છે. રોગચાળાને કાબૂમાં લેવા માટે 10 થી વધુ ડોક્ટરો અને 100 થી વધુ નર્સિંગ સ્ટાફને યુદ્ધના ધોરણે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

Typhoidના 41 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં Typhoidના કુલ 218 કેસ નોંધાયા છે જેમાંથી 41 દર્દીઓ હજી પણ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જોકે રાહતની વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં 22 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. હોસ્પિટલોમાં બેડ અને દવાનો પૂરતો જથ્થો રાખવા માટે કડક સૂચનાઓ આપી દેવામાં આવી છે.

GMC દ્વારા સઘન સર્વેલન્સ અને અપીલ
મહાનગરપાલિકાની ટીમો હાલ ઘરે-ઘરે જઈને ક્લોરીનેશનની તપાસ કરી રહી છે. તંત્ર દ્વારા લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે પાણી ઉકાળીને પીવું અને બહારનો ખુલ્લો ખોરાક ખાવાનું ટાળવું. દૂષિત પાણીના લિકેજ રિપેર કરવાની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે જેથી રોગચાળાને ફેલાતો અટકાવી શકાય.
