Amreli CC Road Sample Fail:અમરેલી શહેરમાં ચાલી રહેલા વિકાસના કામોની ગુણવત્તા પર ગંભીર સવાલો ઉભા થયા છે. આર્ટસ કોલેજ સામે અંદાજે 11 કરોડ રૂપિયાના માતબર ખર્ચે તૈયાર કરવામાં આવેલો સીસીરોડ માત્ર 30 દિવસમાં જ ફેલ સાબિત થયો છે. લેબોરેટરી ટેસ્ટિંગમાં રોડ નબળો સાબિત થતા હવે 125 મીટરનો રોડ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

Amreli : શું છે સમગ્ર મામલો?
અમરેલી શહેરમાં આર્ટસ કોલેજ પાસે નવો સીસીરોડ બનાવવામાં આવ્યો હતો. જોકે, રોડ બન્યાના થોડા જ દિવસોમાં તેની ગુણવત્તા સામે સ્થાનિકોએ શંકા વ્યક્ત કરી હતી. જ્યારે આ રોડના સેમ્પલ લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા, ત્યારે રિપોર્ટમાં રોડની મજબૂતી (Strength) માપદંડ મુજબ ન હોવાનું સામે આવ્યું હતું.

એજન્સીએ પણ સ્વીકારી ભૂલ
નબળા કામનો વિવાદ વધતા, રોડ બનાવનાર એજન્સીએ પણ કબૂલ્યું છે કે કામમાં ક્યાંક ખામી રહી ગઈ છે. સ્થાનિક ધારાસભ્યની કડક સૂચના બાદ, હવે આ નબળો રોડ તોડીને ફરીથી બનાવવાની કામગીરી એજન્સીના ખર્ચે શરૂ કરવામાં આવી છે. 125 મીટર લાંબો પેચ અત્યારે જેસીબી દ્વારા તોડવામાં આવી રહ્યો છે.
આખા શહેરના કામોની તપાસની માંગ
આ ઘટનાને પગલે કોંગ્રેસના આગેવાનો મેદાનમાં આવ્યા છે. કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે માત્ર આ એક જ રસ્તો નહીં, પરંતુ સમગ્ર શહેરમાં થઈ રહેલા 11 કરોડના વિકાસના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. આ સાથે જ કોંગ્રેસના નેતાઓએ માંગ કરી છે કે શહેરના તમામ નવા બનેલા રસ્તાઓની નિષ્પક્ષ ચકાસણી કરવામાં આવે, જવાબદાર અધિકારીઓ અને એજન્સી સામે કડક કાનૂની પગલાં લેવામાં આવે.
