Ahmedabad News: અમદાવાદ શહેરની લાઈફલાઈન ગણાતા એસ.જી. હાઈવે પર આજે એક મોટી દુર્ઘટના ટળી હતી. અડાલજ ત્રિમંદિરથી સરખેજ ઉજાલા તરફ જઈ રહેલી AMTS રૂટ નંબર 501ની ચાલતી બસમાં અચાનક આગ ભભૂકી ઉઠતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. ડ્રાઈવરની સમયસૂચકતા અને ત્વરિત કાર્યવાહીને કારણે તમામ મુસાફરો સુરક્ષિત રીતે બહાર નીકળી શક્યા હતા.

AMTSમાં આગ
પ્રાપ્ત વિગતો અનુસાર, બસ જ્યારે સોલા ભાગવત ચાર રસ્તા નજીક પહોંચી ત્યારે ડ્રાઈવર કેબિનમાં એન્જિન બોનેટમાંથી અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા. ખતરાની ગંધ આવી જતાં ડ્રાઈવરે ક્ષણભરનો પણ વિલંબ કર્યા વગર બસ રસ્તાની બાજુમાં ઉભી રાખી દીધી હતી. જોતજોતામાં ધુમાડો આગમાં ફેરવાઈ ગયો હતો અને એન્જિનનો ભાગ સળગવા લાગ્યો હતો.

ડ્રાઇવરની સતર્કતા
આગ લાગતા જ બસમાં સવાર મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે, ડ્રાઈવરે સતર્કતા દાખવી મુસાફરોને તાત્કાલિક પાછળના દરવાજેથી નીચે ઉતરી જવા સૂચના આપી હતી. મુસાફરો સમયસર નીચે ઉતરી જતાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ડ્રાઈવરે તુરંત બસની મેઈન સ્વીચ બંધ કરી દીધી હતી, જ્યારે કંડક્ટરે ઈમરજન્સી નંબર 112 પર કૉલ કરીને ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી.

ફાયર બ્રિગેડની કામગીરી
ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની બે ગાડીઓ સ્થળ પર પહોંચી હતી અને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ એટલી વિકરાળ હતી કે બસની ડ્રાઈવર કેબિન, આગળનો ફ્લોર, સીલિંગ અને લગભગ 6 જેટલી સીટો બળીને ખાખ થઈ ગઈ હતી.
તંત્ર દ્વારા કડક કાર્યવાહી
આ ઘટના બાદ AMTSના ફ્લાઈંગ વિભાગ અને વાડજ ટર્મિનસના સુપરવાઈઝરે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ ખામી કે બેદરકારીના કારણે લાગેલી આ આગ મામલે તંત્રએ લાલ આંખ કરી છે. સત્તાવાર માહિતી મુજબ, સંબંધિત બસ ઓપરેટરને નોટિસ ફટકારવામાં આવી છે અને તેની વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો: એક જ ટિકિટમાં AMTS–BRTSની મુસાફરી શક્ય બનશે, એક વર્ષમાં નવી વ્યવસ્થા અમલમાં આવશે
આ પણ વાંચો: ધનતેરસથી ત્રણ દિવસ તમામને AMTSમાં મફત મુસાફરી: પહેલી વાર AMTS કમિટીનો નિર્ણય
આ પણ વાંચો: અમદાવાદમાં AMTS બસ ચાલકનો ગુસ્સો, ઝડપી ગતિથી અકસ્માત, વાહનને ટક્કર મારી…..
