Ahmedabad News:અમદાવાદ AMTSની એક બસમાં અચાનક આગ (AMTS Bus Fire) લાગવાની ભયાનક ઘટના સામે આવી છે. આ ઘટના શહેરના પાલડી વિસ્તારમાં મહાલક્ષ્મી ચાર રસ્તા નજીક જૈન મર્ચન્ટ બસ સ્ટેન્ડ પાસે બની હતી. લાલ દરવાજાથી બાવળા તરફ જતી AMTS રૂટ 35ની બસ પેસેન્જરોને ઉપાડવા માટે ઉભી રહી ત્યારે એન્જિન બોનેટમાંથી અચાનક ધુમાડો નીકળ્યો હતો.

બસ જ્યારે સ્ટોપ પર ઉભી રહી ત્યારે એન્જિન વિસ્તારમાંથી ધુમાડો નીકળતો જોતા કંડક્ટરે તાત્કાલિક બુદ્ધિમત્તા દાખવી અને બસમાં બેઠેલા તમામ પ્રવાસીઓને સુરક્ષિત રીતે બહાર ઉતારી દીધા હતા. ડ્રાઈવરે ઇગ્નિશન સ્વીચ અને મેઈન સ્વીચ બંધ કરી દીધા હોવા છતાં ધુમાડો વધુ ગાઢ બન્યો અને થોડી જ ક્ષણોમાં આગ (AMTS Bus Fire) ભભૂકી ઉઠી હતી.

બસ આગ (AMTS Bus Fire) લાગતા ફાયર બ્રિગેડ પહોચી ઘટના સ્થળે
આગને કાબૂમાં લાવવા માટે ડ્રાઈવર અને કંડક્ટરે બસમાં રાખેલા ફાયર એક્સ્ટિંગ્વિશરનો ઉપયોગ કર્યો. આ ઉપરાંત પાછળ આવતી અન્ય AMTS બસોમાંથી પણ એક્સ્ટિંગ્વિશર કાઢીને આગ (AMTS Bus Fire) ઓલવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. તેમ છતાં આગ નિયંત્રણમાં આવી ન હોવાથી ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરવામાં આવી.

અમદાવાદ ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસીસ (AFES)ની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને પાણીનો જોરદાર મારો ચલાવીને આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી. આગને (AMTS Bus Fire) કારણે બસનો આગળનો ભાગ, એન્જિન, રૂફ સીલિંગ અને આગળની લગભગ 4 સીટો સળગી ગઈ હતી. આગની તીવ્રતા એટલી હતી કે બસનો મોટો ભાગ નુકસાન પામ્યો હતો.
સદભાગ્યે આ ભયાનક ઘટનામાં કોઈ પ્રવાસી કે સ્ટાફને ઈજા થઈ નથી અને કોઈ જાનહાનિ થઈ નથી. ડ્રાઈવર અને કંડક્ટરની સમયસર અને સચોટ કાર્યવાહીને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.ઘટનાની જાણ થતાં જ એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિત શાહ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.
આ પણ વાંચો: એક જ ટિકિટમાં AMTS–BRTSની મુસાફરી શક્ય બનશે, એક વર્ષમાં નવી વ્યવસ્થા અમલમાં આવશે
આ પણ વાંચો: ધનતેરસથી ત્રણ દિવસ તમામને AMTSમાં મફત મુસાફરી: પહેલી વાર AMTS કમિટીનો નિર્ણય
આ પણ વાંચો: અમદાવાદમાં AMTS બસ ચાલકનો ગુસ્સો, ઝડપી ગતિથી અકસ્માત, વાહનને ટક્કર મારી…..
