Ankleshwar News: અંકલેશ્વરમાં એક શરમજનક ઘટના સામે આવી છે, જે સમાજના આધારસ્તંભ માનવામાં આવતા શિક્ષણ ક્ષેત્રને ધબ્બો લગાવે છે.એક 63 વર્ષીય ખાનગી ટ્યુશન ક્લાસ સંચાલકે ‘એક્સ્ટ્રા ક્લાસ’ના બહાને 13 વર્ષીય નાબાલિક વિદ્યાર્થિનીને વારંવાર દુષ્કર્મનો શિકાર બનાવ્યો હતો. આ અમાનવીય કૃત્યોને કારણે પીડિત છોકરીને દોઢ મહિનાની ગર્ભાવસ્થા થઈ ગઈ, જેનાથી આખી ઘટનાની પોલ ખૂલી પડી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીને ધરપકડ કરી લીધી છે અને POCSO એક્ટ સહિતની કલમો હેઠળ કેસ નોંધી તપાસ શરૂ કરી છે.

63 વર્ષીય ટ્યુશન સંચાલક POCSO કેસમાં ઝડપાયો
આ ઘટના અંકલેશ્વરના B ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારીઓને મળેલી ફરિયાદ પર આધારિત છે. મળતી માહિતી અનુસાર, આરોપી ધનંજયસિંહ રામઅવતાર સિંહ નામનો આ વ્યક્તિ છેલ્લા ચાર વર્ષોથી અંકલેશ્વરના ગામડામાં ખાનગી ટ્યુશન ક્લાસ ચલાવતો હતો. તેમણે પીડિતા છોકરીને વારંવાર ‘એક્સ્ટ્રા ટ્યુશન’ અથવા ‘ખાસ ક્લાસ’ના નામે દર રવિવારે એકલા બોલાવતો હતો અને તેની સાથે અનૈતિક અને શારીરિક શોષણના કૃત્યો આચર્યા હતા. આ કૃત્યો એટલા વારંવાર અને ગંભીર હતા કે પીડિતા છોકરીને તાજેતરમાં દોઢ મહિનાની ગર્ભાવસ્થા થઈ ગઈ, જેની જાણ પરિવારને થતાં આખી વાત બહાર આવી.

પીડિતા પરિવારના સભ્યો વચ્ચે આ ઘટનાની જાણ થતાં જ તીવ્ર રોષ ફાટી નીકળ્યો.પરિવારે તાત્કાલિક અંકલેશ્વર B ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેના પર પોલીસે મામલાની ગંભીરતા સમજીને POCSO હેઠળ કેસ નોંધી ઝડપી કાર્યવાહી કરી છે. માત્ર ગણતરીની કલાકોમાં જ આરોપીને ધરપકડ કરવામાં આવી અને તેને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
