K Annamalai New Party Tamil Nadu: તમિલનાડુની રાજનીતિમાં ફરી એકવાર હલચલ મચી છે. ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને યુવા નેતા કે. અન્નામલાઈને લઈને નવી રાજકીય અટકળોએ જોર પકડ્યું છે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાઓ અનુસાર અન્નામલાઈ ટૂંક સમયમાં નવી રાજકીય પાર્ટીની જાહેરાત કરી શકે છે. અન્નામલાઈના સમર્થકો સોશિયલ મીડિયા પર નવી પાર્ટીના નામ, લોગો અને ઝંડા માટે સૂચનો માંગતા જોવા મળી રહ્યા છે, જેના કારણે રાજકીય ગલિયારામાં ચર્ચાઓ તેજ બની છે.
Tamil Nadu: જૂનમાં નવી પાર્ટીની જાહેરાતની ચર્ચા
કેટલાક રાજકીય વર્તુળોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અન્નામલાઈ જૂન મહિનામાં નવી પાર્ટી લોન્ચ કરી શકે છે. જોકે અત્યાર સુધી તેમની તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને અપેક્ષા મુજબ સફળતા ન મળતાં અને માત્ર એક બેઠક સુધી સીમિત રહેતાં રાજકીય સમીકરણોમાં ફેરફાર જોવા મળી રહ્યો છે.
અધ્યક્ષ પદ છોડ્યા બાદ અટકળો તેજ
ચૂંટણી બાદ અન્નામલાઈને પ્રદેશ અધ્યક્ષ પદેથી હટાવવામાં આવ્યા બાદ તેમની નારાજગી અંગે ચર્ચાઓ શરૂ થઈ હતી.આ વચ્ચે સોશિયલ મીડિયા પર તેમની સક્રિયતા અને કેટલાક મુદ્દાઓ પર અલગ વલણને કારણે નવી પાર્ટીની અટકળોને વધુ બળ મળ્યું છે.
CBSE અને ‘મન કી બાત’ મુદ્દે ચર્ચા
તાજેતરમાં અન્નામલાઈએ CBSEમાં ધોરણ-9 માટે ત્રણ ભાષા ફરજીયાત બનાવવાના નિર્ણયની જાહેરમાં ટીકા કરી હતી.સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમ અંગે સોશિયલ મીડિયા પર તેમની સક્રિયતા ઓછી જોવા મળતાં રાજકીય નિરીક્ષકોમાં ચર્ચા શરૂ થઈ છે.જોકે તેમણે વડાપ્રધાનની પોસ્ટને રીશેર કરી હતી, પરંતુ સામાન્ય રીતે જોવા મળતી સક્રિયતા ન હોવાને કારણે અનેક અટકળો થઈ રહી છે.
ભાજપ-AIADMK ગઠબંધનથી અસંતોષ?
રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે અન્નામલાઈ ભાજપ અને AIADMK વચ્ચેના ગઠબંધનથી સંપૂર્ણ રીતે ખુશ નહોતા. જો કે પાર્ટી હાઈકમાન્ડના નિર્ણયને માન આપી તેમણે NDA માટે પ્રચાર કર્યો હતો. તેમ છતાં ચૂંટણી બાદ તેમનું વલણ બદલાયું હોવાનું કહેવાઈ રહ્યું છે.
યુવા નેતા તરીકે મજબૂત ઓળખ
પૂર્વ IPS અધિકારી અન્નામલાઈ તમિલનાડુ ભાજપના સૌથી લોકપ્રિય અને યુવા ચહેરાઓમાંના એક માનવામાં આવે છે. તેમને વર્ષ 2021માં માત્ર 37 વર્ષની ઉંમરે ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. તેમની આક્રમક રાજકીય શૈલી અને સ્પષ્ટ નિવેદનોને કારણે તેઓ ઝડપથી ચર્ચામાં આવ્યા હતા.
સોશિયલ મીડિયા પર વધતી ચર્ચા
નવી પાર્ટીની અટકળો વચ્ચે સોશિયલ મીડિયા પર અન્નામલાઈના સમર્થકો ખૂબ જ સક્રિય બન્યા છે. ઘણા લોકો તેમને તમિલનાડુમાં ભાજપનો વિકલ્પ ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક રાજકીય વિશ્લેષકો આ સમગ્ર ચર્ચાને માત્ર અફવા ગણાવી રહ્યા છે.હાલ સૌની નજર અન્નામલાઈના આગામી રાજકીય નિર્ણય પર ટકેલી છે.
આ પણ વાંચો: એક્ટર વિજય બન્યા તમિલનાડુના નવા CM, TVK સરકારનો ભવ્ય શપથવિધિ સમારોહ
આ પણ વાંચો: તમિલનાડુમાં વિજયનો રાજ્યાભિષેક નક્કી! VCK ના સમર્થન સાથે જાદુઈ આંકડો પાર
આ પણ વાંચો: તમિલનાડુમાં નવી સરકાર પર સસ્પેન્સ! VCKએ વિજયની TVK સામે મૂકી મોટી શરત
