કર્ણાટક હાઈકોર્ટના નિર્ણય બાદ પણ હિજાબનો વિવાદ અટકતો જણાતો નથી. ચુકાદાથી નારાજ મુસ્લિમ સમુદાયના નેતાઓએ આજે કર્ણાટક બંધનું એલાન આપ્યું છે. સમગ્ર રાજ્ય વેપાર મંડળને પણ આજના બંધમાં ભાગ લેવા નિર્દેશ આપવામાં આવ્યો છે. કર્ણાટકના દરિયાકાંઠાના શહેર ઉડુપીમાં સરકારી પ્રી યુનિવર્સિટી ગર્લ્સ કોલેજની છ મુસ્લિમ વિદ્યાર્થીનીઓએ બુધવારે વર્ગોનો બહિષ્કાર કર્યો હતો. આ વિદ્યાર્થીનીઓ તેમના સ્ટેન્ડ પર મક્કમ છે કે તેઓ માથે દુપટ્ટો પહેર્યા વિના કૉલેજમાં નહીં આવે અને તેના પર કાનૂની લડત લડતી રહેશે. આ વિદ્યાર્થિનીઓની પ્રિલિમિનરી પરીક્ષા પણ ચાલી રહી છે પરંતુ તમામે પરીક્ષા પણ આપી ન હતી.
અમીર-એ-શરિયત કર્ણાટકના મૌલાના સગીર અહેમદ ખાન રશ્દીએ કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયને નિરાશાજનક ગણાવતા ગુરુવારે રાજ્ય બંધનું એલાન આપ્યું છે. વીડિયો સંદેશમાં તેણે કહ્યું કે હું તમામ મુસ્લિમોને ધ્યાનથી સાંભળવા અને તેનું કડક પાલન કરવાની વિનંતી કરું છું. હિજાબને લઈને કર્ણાટક હાઈકોર્ટના આદેશ સામે નારાજગી વ્યક્ત કરવા માટે 17 માર્ચે રાજ્યભરમાં સંપૂર્ણ દિવસના બંધનું એલાન કરવામાં આવ્યું છે. હું મુસ્લિમ સમુદાયના દરેકને બંધમાં ભાગ લેવા વિનંતી કરું છું. તેને સફળ બનાવો અને શાસક પક્ષને જણાવો કે ધાર્મિક પરંપરાઓનું પાલન કરતી વખતે પણ શિક્ષણ મેળવવું શક્ય છે, એમ તેમણે જણાવ્યું હતું. હું દરેક ન્યાય-પ્રેમી વ્યક્તિ અને મિલ્લત-એ-ઈસ્લામિયાને બંધમાં જોડાવા વિનંતી કરું છું. મૌલાનાએ બંધ દરમિયાન શાંતિ જાળવવા અપીલ કરી હતી.
શિવમોગ્ગાની કમલા નેહરુ કોલેજની 15 વિદ્યાર્થીનીઓ તેમના ઘરે પરત ફરી હતી. તેઓ કહે છે કે તેઓ હિજાબ વગર કોલેજમાં પ્રવેશ કરશે નહીં. આ 15 વિદ્યાર્થીનીઓ બુરખો અને હિજાબ પહેરીને સ્કૂલમાં પહોંચી હતી પરંતુ કોલેજ મેનેજમેન્ટે તેમને પ્રવેશતા અટકાવ્યા હતા. એક વિદ્યાર્થીએ કહ્યું કે હિજાબ પહેરવો એ તેનો ધાર્મિક અધિકાર અને ઓળખ છે. તેઓ તેના વિના કૉલેજમાં પ્રવેશ કરશે નહીં.

