LPG Cylinder Price Hike: જ્યાં એક બાજું દેશભરમાં ઈંધણના ભાવોમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે હવે કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. 1 જૂન એટલે કે આજથી 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતોમાં વધારો અમલમાં આવ્યો છે, જેના કારણે હોટેલ, રેસ્ટોરન્ટ અને કેટરિંગ વ્યવસાય પર સીધી અસર થવાની શક્યતા છે.
નવી કિંમતો મુજબ, દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરનો ભાવ 42 રૂપિયા વધીને 3,113.50 રૂપિયા થયો છે. જ્યારે કોલકાતામાં તેની કિંમતમાં 53.50 રૂપિયાનો વધારો નોંધાયો છે અને હવે તે 3,255.50 રૂપિયા થઈ ગઈ છે. ઉપરાંત, 5 કિલોગ્રામના નાના FTL સિલિન્ડરના ભાવમાં પણ 11 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
જો કે, સામાન્ય ગ્રાહકો માટે રાહતની વાત એ છે કે ઘરેલુ ઉપયોગમાં લેવાતા 14.2 કિલોગ્રામના LPG સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે ઘરેલુ રસોઈ ગેસના ગ્રાહકોને હાલ વધારાનો બોજો સહન કરવો નહીં પડે.
કોમર્શિયલ સિલિન્ડરના ભાવ વધતા હોટેલ, રેસ્ટોરન્ટ, લગ્ન સમારંભો અને ફૂડ બિઝનેસ સાથે જોડાયેલા ખર્ચમાં વધારો થઈ શકે છે. પરિણામે બહાર ભોજન કરવું અથવા કેટરિંગ સેવાઓ લેવી અગાઉ કરતાં વધુ ખર્ચાળ બની શકે છે.
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: પેટ્રોલ-ડીઝલ અને ATF પર ટેક્સમાં ઘટાડો
બીજી તરફ, કેન્દ્ર સરકારે 1 જૂનથી પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)ના નિકાસ પર લાગતા કેટલાક કરોમાં રાહત જાહેર કરી છે. પેટ્રોલના નિકાસ પર લાગતો વિન્ડફોલ ગેઇન ટેક્સ ઘટાડીને પ્રતિ લિટર 1.50 રૂપિયા કરવામાં આવ્યો છે. જ્યારે ડીઝલ પરનો કર ઘટાડીને 13.50 રૂપિયા પ્રતિ લિટર અને ATF પરનો કર 9.50 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવ્યો છે.
વિત્ત મંત્રાલયના જણાવ્યા અનુસાર, પેટ્રોલ અને ડીઝલની નિકાસ પર રોડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ શૂન્ય રાખવામાં આવ્યો છે. જોકે, દેશના સ્થાનિક બજારમાં વેચાતા પેટ્રોલ અને ડીઝલ પર લાગતા વર્તમાન કર અને કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
