Surat News: સુરતમાં વધુ એક જમીન કૌભાંડ (Land Scam) સામે આવ્યું છે. આ કૌભાંડ ગોચરની જમીનનું કૌભાંડ છે. ગોચરની 100 કરોડ રૂપિયાની જમીનનો બારોબાર સોદો થઈ ગયો છે. આશ્ચર્યની વાત તો એ છે કે તેની 1.70 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ભરવાની કાચી નોંધ પણ પડી છે.
આ કૌભાંડમાં ખોટી રીતે 24 કરોડ રૂપિયાના દસ્તાવેજ કરવામાં આવ્યા છે. અધિકારી અને જમીન માફિયાઓની મિલીભગતથી જમીન વેચાઈ છે. ખોટા ઠરાવો કરીને સંસ્થાના હોદ્દેદારોને જમીન વેચવામાં આવી છે. ચેરિટી કમિશ્નર કે પંચાયતની મંજૂરી લેવાઈ નથી. મબોગના સરવે નંબર 3-બ, 156 પૈકી સરવે નંબર (1)નો રીતસરનો વહીવટ કરી દેવામાં આવ્યો છે. મૂળ આ જમીન મગોબ સમસ્ત સંસ્થાના નામે હતી.
સમસ્તના વહીવટકર્તા રાજેન્દ્રસિંહ ગોહિલ છે. રાજેન્દ્રસિંહે સંસ્થાના અન્ય 5 સાથે મળી જમીન વેચી રોકડી કરી લીધી છે. રાજેન્દ્રસિંહ અને જમીન ખરીદનાર સામે તપાસની માંગ ઉઠી છે. કેતનસિંહ ગોહિલ અને મહેશ બારોટ નામના બે શખ્સે આ જમીન ખરીદી છે.
જમીનના આ સોદામાં સ્થાનિકની સાથે ગાંધીનગરના અધિકારીઓ પણ શંકાના ઘેરામાં આવી ગયા છે. દસ્તાવેજ 1મા મબોગ ગામના 7/12માં ઢોર ચરણનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે અધિકારીઓએ પાંચ કરોડ રૂપિયાની લાંચ લઈને આ જમીનનો બારોબાર વહીવટ કરી નાખવામાં મદદ કરી છે. આમ અધિકારીઓએ પાંચ કરોડ રૂપિયાની રીતસરની ખાયકી કરી છે. આમ ડુમસની જમીન બાદ મગોબની જમીનમાં પણ કૌભાંડ જોવા મળી રહ્યું છે.
આ કૌભાંડમાં સરકાર દ્વારા સત્વરે કાર્યવાહી કરવામાં આવે અને આ જમીનને ખાનગી હાથોમાં જતી રોકવામાં આવે તેવી માંગ ઉઠી છે. સરકાર તાકીદના પગલાં નહીં લે તો ગોચરની જમીનને સરકારના હાથમાંથી જતાં કોઈ નહીં રોકી શકે.
આ પણ વાંચો: સુરતમાં 2000 કરોડ રૂપિયાની સરકારી જમીન બારોબાર બિલ્ડરોને પધરાવવાના કૌભાંડનો પર્દાફાશ
આ પણ વાંચો: કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની વધી મુશ્કેલી, MUDA કેસમાં પરિવારના સભ્યો સામે ચાલશે કેસ
આ પણ વાંચો: ઝારખંડના પૂર્વ CMની અરજીની સુનાવણીનો સ્પષ્ટ ઈન્કાર
