@કૌશિક છાયા, કચ્છ
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તા.૧૫મી ડિસેમ્બર-૨૦૨૦ના રોજ જિલ્લાની સંભવિત મુલાકાતે આવનાર છે. જિલ્લાના માંડવી તાલુકાના ગુંદીયાળી ખાતે દરિયાના ખારા પાણીમાંથી દરરોજ મીઠુ પાણી કરવાના ૧૦ કરોડ લિટર ક્ષમતાના સી-વોટર ડી-સેલીનેશન પ્લાન્ટનું ભૂમિપૂજન અને ૩૦ હજાર મેગાવોટ સોલાર વિન્ડ હાઈબ્રીડ એનર્જી પ્રોજેકટનું લોકાર્પણ વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે કરવામાં આવનાર છે.
આ કાર્યક્રમના સુચારૂ આયોજન અર્થે કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાએ વિવિધ ૨૫ જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે. કલેકટર પ્રવિણા ડી.કે. ની અધ્યક્ષતા હેઠળ રચાયેલી આ સમિતિઓના અધિકારીઓ તેમને સોંપાયેલી કામગીરી સબંધિત અમલીકરણ અધિકારીઓના પરસ્પરના સંકલનમાં રહી કરશે.
વડાપ્રધાનના આગમનથી લઇ સમગ્ર કાર્યક્રમનું સમાપન થાય ત્યાં સુધી નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ની માર્ગદર્શિકાને ધ્યાને લઇને તે મુજબની કામગીરી કોવીડ-૧૯ મેનેજમેન્ટ અને મેડિકલ સમિતિ હેઠળ કરાશે. સમગ્ર કાર્યક્રમનું આયોજન, સંચાલન સુપરવિઝન, મીનીટ ટુ મીનીટ કાર્યક્રમ અને સમગ્ર કાર્યક્રમ દરમ્યાન કરવાની થતી વિવિધ કામગીરી, કાર્યક્રમ સબંધી કરવાની વ્યવસ્થાઓ, ગોઠવણ અને દેખરેખ માટે આ સમિતિઓ સક્રિય થઇ ગઇ છે.
સબંધિત અધિકારીઓની રાહબરી હેઠળ સ્ટેજ સ્વાગત સમિતિ, RE પાર્ક સ્થળ પર કાર્યક્રમ સમિતિ, ગુંદીયાળી-માંડવી કાર્યક્રમ સમિતિ હેલીપેડ વ્યવસ્થા, ટ્રાન્સપોટેશન, મંડપ વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, સુરક્ષા સમિતિ પાસ, પ્રચાર-પ્રસાર, આવાસ-ભોજન, ટ્રાફિક વ્યવસ્થા, સફાઈ-પાણી વ્યવસ્થા, મોમેન્ટો, સાંસ્કૃતિક કાર્યક્રમ, આઇ.ટી.સમિતિ, વીજ પુરવઠો, મેડિકલ વ્યવસ્થા તેમજ ફાયર ફાઈટર સહિતની સમિતિઓ દ્વારા સમગ્ર કાર્યક્રમને ધ્યાને લઇ ઘનિષ્ઠ કામગીરી હાથ ધરવામાં આવી છે.
