Bhavnagar News : ભાવનગર શહેર પોલીસે માનવ તસ્કરી (Human Trafficking)અને દેહવ્યાપારના ગેરકાયદેસર રેકેટ સામે મોટી અને ઐતિહાસિક કાર્યવાહી હાથ ધરી છે. નવા ફોજદારી કાયદા BNSSની કલમ 107 હેઠળ ગેરકાયદેસર કમાણીથી ઉભી કરાયેલી આશરે ₹80 લાખની સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
સ્પાના નામે દેહવ્યાપાર અને માનવ તસ્કરી (Human Trafficking)નું નેટવર્ક ચલાવાતું હતું
Bhavnagar શહેરના નિલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતા બે સ્પાના નામે દેહવ્યાપાર અને માનવ તસ્કરીનું નેટવર્ક ચલાવાતું હોવાની તપાસમાં ખુલાસો થયો હતો. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે “આયુર થાઈ ફેમીલી સ્પા” અને “ક્રિસ્ટલ ફેમીલી સ્પા”ના નામે સ્પાની આડમાં મહિલાઓનું શોષણ અને દેહવ્યાપારનો ધંધો ચલાવવામાં આવતો હતો.

પોલીસ અનુસાર આરોપી શબાનાબેન ફારૂકભાઈ થીમ દ્વારા ગ્રાહકો પાસેથી મોટી રકમ વસૂલ કરી મહિલાઓને દેહવ્યાપારમાં ધકેલવામાં આવતી હતી. મહિલાઓને ધમકીઓ આપી સ્પામાં જ રાખવાની વ્યવસ્થા કરવામાં આવતી હોવાનું પણ સામે આવ્યું છે.
તપાસ દરમિયાન ખુલ્યું કે વાઘાવાડી રોડ પર આવેલી “આયુર થાઈ ફેમીલી સ્પા”ની દુકાન પ્રથમ ભાડે રાખવામાં આવી હતી, પરંતુ બાદમાં ગેરકાયદેસર આવકથી જ તે ખરીદવામાં આવી હતી. હાલ આ મિલકતની બજાર કિંમત આશરે ₹80 લાખ હોવાનું પોલીસ માને છે.
પોલીસે જણાવ્યું કે આરોપી સામે અગાઉ વર્ષ 2016 અને 2025માં પણ સમાન પ્રકારના ગુનાઓ નોંધાયા હતા, છતાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ રાખવામાં આવી હતી. હવે નવા BNSS કાયદા હેઠળ ગુનાહિત આવકથી ઉભી કરાયેલી સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી માટે કોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે.
ભાવનગર રેન્જના આઈજીપી R. V. Asari, SP નિતેશ પાંડે અને પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ કાર્યવાહી શહેરમાં દેહવ્યાપાર અને માનવ તસ્કરી સામેનો સૌથી મોટો કાનૂની એક્શન માનવામાં આવી રહ્યો છે.
પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે માનવ તસ્કરી (Human Trafficking)અને દેહવ્યાપાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે “ઝીરો ટોલરન્સ”ની નીતિ અપનાવવામાં આવશે અને નવા કાયદાઓનો કડક અમલ કરવામાં આવશે.
