Justice Sushrut Arvind Dharmadhikari: હાલમાં દેશભરમાં ચર્ચાનો વિષય બનેલી ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી 2’ (The Kerala Story 2) ના વિવાદ વચ્ચે એક મોટા સમાચાર આવ્યા છે. કેરળ હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ સુશ્રુત અરવિંદ ધર્માધિકારીને હવે મદ્રાસ હાઈકોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ (Chief Justice) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, ગુરુવારે જ તેમણે ‘ધ કેરળ સ્ટોરી 2’ ની રિલીઝ પરના સ્ટે અંગે મહત્વની સુનાવણી કરી હતી.
6 માર્ચથી સંભાળશે નવો કાર્યભાર
જસ્ટિસ ધર્માધિકારીની આ નવી નિમણૂક આગામી 6 માર્ચથી અમલમાં આવશે. મદ્રાસ હાઈકોર્ટના વર્તમાન મુખ્ય ન્યાયાધીશ મનિન્દ્ર મોહન શ્રીવાસ્તવ નિવૃત્ત થઈ રહ્યા છે, તેમના સ્થાને જસ્ટિસ ધર્માધિકારી આ સર્વોચ્ચ પદ સંભાળશે.
‘ધ કેરળ સ્ટોરી 2’ પર શું થઈ હતી સુનાવણી?
સિંગલ જજ દ્વારા ‘ધ કેરળ સ્ટોરી 2 – ગોઝ બિયોન્ડ’ ની રિલીઝ પર 15 દિવસનો સ્ટે લગાવવામાં આવ્યો હતો. આ આદેશ સામે ફિલ્મના પ્રોડ્યુસર વિપુલ અમૃતલાલ શાહે અપીલ કરી હતી. આ અપીલની સુનાવણી જસ્ટિસ સુશ્રુત અરવિંદ ધર્માધિકારી અને જસ્ટિસ પી.વી. બાલકૃષ્ણનની ખંડપીઠે કરી હતી. ગુરુવારે મોડી સાંજે લગભગ બે કલાક ચાલેલી દલીલો બાદ બેન્ચે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. સુનાવણી દરમિયાન ખંડપીઠે સવાલ ઉઠાવ્યો હતો કે, આ અરજીઓ પીઆઈએલ (PIL) જેવી છે, તો સિંગલ જજ તેની સુનાવણી કેવી રીતે કરી શકે? જોકે, બેન્ચે પ્રોડ્યુસરની માંગ મુજબ તાત્કાલિક કોઈ વચગાળાની રાહત આપી નહોતી.
સિંગલ જજે શું કહ્યું હતું? આ પહેલા સિંગલ જજ જસ્ટિસ બેચુ કુરિયન થોમસે કહ્યું હતું કે, “પ્રથમ દૃષ્ટિએ ફિલ્મમાં કોમી અશાંતિ અને કોઈ ચોક્કસ સમુદાયની બદનામી થવાની સંભાવના દેખાઈ રહી છે.” તેથી યોગ્ય તપાસ વિના તેને રિલીઝ કરવી કાયદેસર રીતે યોગ્ય નથી.
કોણ છે જસ્ટિસ સુશ્રુત Arvind Dharmadhikari?
મૂળ મધ્યપ્રદેશના જસ્ટિસ ધર્માધિકારીનો જન્મ 8 જુલાઈ 1966 ના રોજ રાયપુરમાં થયો હતો. તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી કોમર્સ અને કાયદા (Law) નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ, વર્ષ ૧૯૯૨ માં જબલપુર સ્થિત મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં વકીલ તરીકે પોતાની પ્રેક્ટિસ શરૂ કરી હતી. પોતાની કારકિર્દીમાં આગળ વધતા તેઓ વર્ષ 2000 થી 2015 સુધી એમ લગભગ 15 વર્ષ સુધી કેન્દ્ર સરકારના સ્થાયી વકીલ રહ્યા હતા, જે દરમિયાન તેમણે ઇન્કમટેક્સ વિભાગ અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) નું પણ સફળ પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમની જજ તરીકેની સફર 7 એપ્રિલ 2016 ના રોજ મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં એડિશનલ જજ બનવા સાથે શરૂ થઈ હતી અને ત્યારબાદ 2018 માં તેઓ કાયમી જજ બન્યા હતા, જ્યારે 23 એપ્રિલ 2025 ના રોજ તેમની બદલી કેરળ હાઈકોર્ટમાં કરવામાં આવી હતી.
શું છે ‘ધ કેરળ સ્ટોરી 2’ નો વિવાદ?
આ ફિલ્મ સુદીપ્તો સેન દ્વારા નિર્દેશિત હિટ ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી‘ ની સિક્વલ છે. આ નવા ભાગનું નિર્દેશન કામાખ્યા નારાયણ સિંહે કર્યું છે અને પ્રોડ્યુસર વિપુલ શાહ છે. આ ફિલ્મ પણ પ્રથમ ભાગની જેમ ‘છળકપટથી કરાવવામાં આવતા ધર્માંતરણ’ ના સંવેદનશીલ વિષય પર આધારિત છે.
આ પણ વાંચો:Bollywood Stars Own Land on Moon/બોલિવૂડના આ સ્ટાર્સે ચંદ્ર પર ખરીદી છે જમીન , કિંમત છે કરોડોમાં?
આ પણ વાંચો:Film Industry V/S Chandrayan/માધવનની ‘રોકેટરી’ થી અક્ષયની ‘મિશન મંગલ’ સુધી, જ્યારે ચંદ્ર પર પહોંચી ફિલ્મ ઇન્ડસ્ટ્રી!
આ પણ વાંચો:Bollywood/સંજય લીલા ભણસાલીએ ‘ગદર: એક પ્રેમ કથા’ બાદ અમીષા પટેલને આપી હતી આ સલાહ
