Supreme Court Loan Guarantor Rule: ભારતમાં લાગણીઓમાં તણાઈને મિત્રો, સંબંધીઓ કે પરિચિતોની લોનમાં જામીન (Guarantor) બનવું એ સામાન્ય વાત છે. પરંતુ હવે આમ કરવું તમને ભારે પડી શકે છે. સુપ્રીમ કોર્ટે લોન ગેરંટર અંગે એક ખૂબ જ કડક અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે, જે ગેરંટર બનનારાઓ માટે લાલબત્તી સમાન છે.
શું છે Supreme Courtનો નવો આદેશ?
સુપ્રીમ કોર્ટે ગુરુવારે ‘ઇનસોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ’ (IBC) હેઠળ સ્પષ્ટતા કરી છે કે, જો કોઈ વ્યક્તિ લોન ચૂકવવામાં ડિફોલ્ટ કરે છે (હપ્તા નથી ભરતો), તો બેન્ક હવે મુખ્ય લેણદાર અને ગેરંટર બંને સામે એકસાથે જ વસૂલાતની પ્રક્રિયા (CIRP) શરૂ કરી શકે છે.
ભારતીય કરાર અધિનિયમની કલમ 128 ને ટાંકીને કોર્ટે જણાવ્યું કે, “જેટલી જવાબદારી લોન લેનારની છે, બરાબર તેટલી જ જવાબદારી તેમાં સહી કરનાર ગેરંટરની પણ બને છે.”

જૂના નિયમ અને નવા નિયમમાં શું ફરક છે?
જૂના અને નવા નિયમ વચ્ચેના મુખ્ય તફાવતની વાત કરીએ તો, અગાઉના જૂના નિયમ મુજબ બેન્ક એક જ સમયે કોઈ એક જ વ્યક્તિ (કાં તો લોન લેનાર અથવા ગેરંટર) સામે કાનૂની કાર્યવાહી કરી શકતી હતી, જેના કારણે બેન્કોના નાણાં વર્ષો સુધી અટવાઈ રહેતા હતા. પરંતુ હવે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે આ જૂના ચુકાદાઓને સંપૂર્ણપણે રદ કરી દીધા છે.
આ નવા ઐતિહાસિક નિર્ણય મુજબ, હવે બેન્કો પોતાના ફસાયેલા નાણાં ઝડપથી વસૂલવા માટે લોન લેનાર અને તેની સાથે જોડાયેલા તમામ ગેરંટરો પર એક જ દિવસે એકસાથે કેસ દાખલ કરીને કડક કાનૂની કાર્યવાહી કરી શકશે.
તમારી અંગત સંપત્તિ થઈ શકે છે જપ્ત!
આ મહત્વપૂર્ણ ચુકાદા પછી કોઈપણ ગેરંટર માત્ર એવું વિચારીને શાંતિથી નહીં બેસી શકે કે પહેલા બેન્ક મુખ્ય દેવાદારની મિલકત વેચશે અને ત્યારબાદ જ તેમનો વારો આવશે. જો મુખ્ય દેવાદારની મિલકત વેચ્યા પછી પણ બેન્કની પૂરી રકમ વસૂલ ન થાય, તો બેન્ક ગેરંટરની અંગત મિલકતો પર પણ સીધી તરાપ મારી શકે છે.
આ કડક કાર્યવાહી અંતર્ગત ગેરંટરની બેન્કની ફિક્સ ડિપોઝિટ (FD), બેન્ક ખાતાનું બેલેન્સ, મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ તેમજ ઘર, જમીન કે અન્ય કોઈ પ્રોપર્ટી જેવી કિંમતી મિલકતો પણ જપ્ત થઈ શકે છે.
આ પણ વાંચો: 5-ડે વીકની માંગ સાથે 27 જાન્યુઆરીએ બેન્કોની હડતાળ, ગુજરાતના 1 લાખ કર્મીઓ જોડાશે
આ પણ વાંચો: 253 કરોડના સાઇબર ક્રાઇમમાં જૂનાગઢના બેન્ક ખાતાનો ઉપયોગ, આઠની ધરપકડ
આ પણ વાંચો: મહેસાણા નાગરિક બેન્કની ચૂંટણીમાં 48 વર્ષે થયું સત્તામાં પરિવર્તન
