Cricket/ BCCI સામે ICC ઝુક્યું,જયાં સુધી IPL ચાલશે ત્યાં સુધી કોઇ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ કે સિરીઝ થશે નહીં

જ્યાં સુધી IPL ચાલશે ત્યાં સુધી કોઈ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ કે સિરીઝ થશે નહીં. ICC એ IPL ને દર વર્ષે અઢી મહિને એક વિન્ડો આપવાનો નિર્ણય કર્યો છે

Top Stories Sports

જ્યાં સુધી IPL ચાલશે ત્યાં સુધી કોઈ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ કે સિરીઝ થશે નહીં. ICC એ IPL ને દર વર્ષે અઢી મહિને એક વિન્ડો આપવાનો નિર્ણય કર્યો છે. જો કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) તેનો વિરોધ કરી રહ્યું હતું, પરંતુ ICCએ તેના વિરોધને બાજુ પર મૂકી દીધો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ છે. તાજેતરમાં તેના પ્રસારણ અધિકારો 48.3 હજાર કરોડમાં વેચાયા છે. હવે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) પણ તેની સત્તા સામે ઝૂકી ગયું છે.

ICCએ 2023 થી 2027 સુધીની આંતરરાષ્ટ્રીય દ્વિપક્ષીય શ્રેણી અને ટૂર્નામેન્ટનો ફ્યુચર ટુર પ્રોગ્રામ (FTP) તૈયાર કર્યો છે. જેમાં આઈસીસીના 12 પૂર્ણ સમયના સભ્યો સામેની મેચોનો સમાવેશ થાય છે. નવીનતમ FTPમાં બે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ, અન્ય ICC ઇવેન્ટ્સ અને કેટલીક દ્વિપક્ષીય શ્રેણીનો સમાવેશ થાય છે. ક્રિકેટ વેબસાઈટ ઈએસપીએન ક્રિકઈન્ફોના રિપોર્ટ અનુસાર, આઈપીએલને ફ્યુચર ટૂર પ્રોગ્રામના કેલેન્ડરમાં દર વર્ષે અઢી મહિનાની વિન્ડો મળે છે. આઈપીએલનું આયોજન માર્ચના છેલ્લા અઠવાડિયાથી જૂનના પહેલા સપ્તાહ સુધી થવાનું છે. 2023 અને 2024 IPLમાં 74-74 મેચો રમાશે. 2025 અને 2026માં 84 અને 2027 સુધી દર વર્ષે 94 IPL મેચો રમાય તેવી અપેક્ષા છે.

IPL સિવાય જ્યારે ઓસ્ટ્રેલિયામાં ‘ધ હન્ડ્રેડ’ અને ઈંગ્લેન્ડમાં ‘બિગ બેશ લીગ’નું આયોજન કરવામાં આવે છે. તે દરમિયાન બંને દેશોની ટીમો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ નહીં રમે. જો કે, આ સમય દરમિયાન અન્ય ટીમો ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સંપૂર્ણપણે બંધ નહીં થાય. તે જ સમયે, આઈપીએલ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ લગભગ બંધ થઈ જશે. એ જ રીતે, જ્યારે કેરેબિયન પ્રીમિયર લીગ અને બાંગ્લાદેશ પ્રીમિયર લીગ રમાઈ રહી છે, ત્યારે વેસ્ટ ઈન્ડિઝ અને બાંગ્લાદેશની ટીમો પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ નહીં રમે. આ FTP 25 અને 26 જુલાઈના રોજ બર્મિંગહામમાં ICCની વાર્ષિક બેઠક પછી ઔપચારિક રીતે જાહેર કરવામાં આવશે.