૭૮ વર્ષનાં બિલિયોનર તમ્બાકુ ટાયકુન માઈકલ બામ્બાંગ હાર્ટોનો ઇન્ડોનેશિયા દેશનું કોન્ટ્રાક્ટ બ્રિજ ગેમમાં પ્રતિનિધિત્વ કરવાનાં છે. પોતાના દેશમાં શરૂ થનારી એશિયન ગેમ્સ માટે યજમાન દેશ ઇન્ડોનેશિયાએ પૂરતી તૈયારીઓ કરી લીધી છે. આ એશિયન ગેમ્સમાં ઇન્ડોનેશિયા પોતાનાં ૯૩૮ ખેલાડીઓ અને અધિકારીઓની આખી ટીમ ઉતારવાનું છે જેમાં યુવા અને અનુભવી બંને પ્રકારના ખેલાડીઓ હશે.
આ લિસ્ટમાં ઇન્ડોનેશિયાનાં સૌથી અમીર વ્યક્તિ પણ પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહ્યાં છે. ફોર્બ્સ મેગેઝીનમાં માઈકલનું નામ એમનાં ભાઈ રોબર્ટ સાથે ઇન્ડોનેશિયાના સૌથી અમીર વ્યક્તિઓનાં લિસ્ટમાં આવ્યું હતું. વિશ્વનાં અમીર લોકોમાં તેઓ ૭૫માં સ્થાન પર છે. માઈકલ બામ્બાંગ હાર્ટોનો તમ્બાકુ, બેન્કિંગ અને કમ્યુનિકેશનનાં બિઝનેસમાં છે અને આ બિઝનેસને કારણે તેઓ લગભગ ૧૬.૭ બિલિયન ડોલર જેટલી નેટવર્થ (સંપત્તિ) ઘરાવે છે.
બ્રિજ ગેમએ બાવન પત્તાની રમત છે, જેમાં ચાર ખેલાડીઓ બે-બે વ્યક્તિની ટીમમાં હોય છે. આ કાર્ડ ગેમને એશિયન ગેમ્સમાં સ્થાન અપાવવા માટે ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાને સમજાવવામાં માઈકલે મહત્વની ભૂમિકા ભજવી હતી. ઇન્ડોનેશિયા દેશનાં આ ધનિક બ્રિજ પ્લેયર માઈકલ વિશ્વ બ્રિજ ચેમ્પિયનશીપમાં પણ ઘણીવાર દેશનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.
હાર્ટોનોનું કહેવું છે કે, તેઓ પોતાની યાદશક્તિને તેજ રાખવા માટે બ્રિજની ગેમ રમે છે. આ રમત સિવાય તેમને તાઈ ચીમાં પણ રસ છે, જે તેમને ફોક્સ કરવામાં મદદ કરે છે. માઈકલે તો ત્યાં સુધીની જાહેરાત કરી દીધી છે કે જો તેઓ ગોલ્ડ જીતશે તો ઇન્ડોનેશિયા સરકાર દ્વારા મેડાલિસ્ટને આપવામાં આવતી એક લાખ બે હજાર ડોલર સુધીની રકમને તેઓ ખેલાડીઓનાં ટ્રેનિંગ પ્રોગ્રામ માટે દાનમાં આપી દેશે.
