Atal Bridge/ સાબરમતી રિવરફ્રન્ટ ઉપર બનેલ અટલ બ્રિજ ક્ષતિગ્રસ્ત,બ્રિજ ઉપરનો કાચ તૂટી ગયો,કોંગ્રેસે આ મામલે કર્યા આકરા પ્રહાર

લોકાર્પણના છ મહિનામાં જ અમદાવાદનાં સાબરમતી રિવરફ્રન્ટ પર બનેલા અટલ બ્રિજનો એક કાચ તૂટી પડ્યો છે

Top Stories Gujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છ મહિના પહેલા અટલ બ્રિજનું  ઉદ્વઘાટન કર્યું હતું,હવે આ બ્રિજના કાચ પર તિરાડો જોવા મળતા ખળભળાટ વ્યાપી ગયો છે. આ પુલની સ્થિતિ જોતા એવું લાગે છે કામ નીચલી ગુણવત્તાવાળું કરવામાં આવ્યું હશે.લોકાર્પણના છ મહિનામાં જ અમદાવાદનાં સાબરમતી રિવરફ્રન્ટ પર બનેલા અટલ બ્રિજનો એક કાચ તૂટી પડ્યો છે. અટલ બ્રિજને આકર્ષક બનાવવા માટે ફૂટ બ્રિજ પર ચાર અલગ અલગ કાચ લગાવાયા છે. જેમાંથી એકમાં તિરાડો પડી ગઈ છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા તરત જ ક્ષતિગ્રસ્ત કાચની આસપાસ બેરીકેટ લગાવી દેવાયા છે. જેથી કોઈ દુર્ઘટના ન સર્જાય.

તાજેતરમાં નવા બનેલા અટલબિજ ક્ષતિગ્રસ્ત થયાના સમાચાર છે. અટલ બ્રિજમાં જ્યાં લોકો ચાલે છે તે કાચનો સ્લેબ તૂટી ગયો છે અને તેને બેરીકેટથી કવર કરી દેવામાં આવ્યો છે અને એક મોટી દુર્ઘટના થતા અટકી છે.આ બ્રિજ જ્યારે જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો એ સમયગાળામાં જ મોરબી દુર્ઘટના બની હતી અને કોંગ્રેસ દ્વારા અટલ બ્રિજના ફિટનેસ સર્ટિફિકેટની માગણી કરવામાં આવી હતી પરંતુ આજ સુધી ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો એ અટલ બ્રિજનું ફિટનેસ સર્ટિફિકેટ રજુ નથી કર્યું અને અને આ પ્રકારની ગુનાહિત બેદરકારી બદલ જવાબદારોને તાત્કાલિક સજા થવી જોઈએ.

કોંગ્રેસ પક્ષ ફરી એકવાર સત્તાધીશો પાસે અટલ બ્રિજના ફિટનેસ સર્ટિફિકેટની માંગણી કરે છે અને ગુજરાત સરકાર દ્વારા છેલ્લા એક વર્ષમાં જેટલા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તેનું સેફ્ટી ઓડીટ અને ફાયનાન્સીયલ ઓડીટ કરવામાં આવે અને જો ફિટનેસ સર્ટીફીકેટ ઉપલબ્ધ ન હોય તો ગુજરાતની જનતાની સુરક્ષા માટે આ પ્રોજેક્ટ સત્વરે બંધ કરી દેવામાં આવે

 

ઉલ્લેખનીય છે કે  રૂપિયા 74 કરોડના ખર્ચે બનેલો ‘એન્જિનિયરિંગ અજાયબી’ સમાન આ ફુટ ઓવર બ્રીજ (પેડેસ્ટ્રીયન બ્રિજ) અમદાવાદ શહેરની નવી ઓળખ છે.આઇકોનિક ફૂટ ઓવર બ્રિજને લઈને શહેરીજનોમાં છેલ્લા ઘણા સમયથી અનેરું આકર્ષણ જોવા મળી રહ્યું છે. સાબરમતી નદીનાં પૂર્વ અને પશ્ચિમ કાંઠાની વચ્ચે નિર્માણ પામેલ પુલના લીધે  એક છેડેથી બીજા છેડે કોઈપણ પ્રકારના ટ્રાફિક વગર સરળતાથી પહોંચવામાં મદદરૂપ થાય છે. તેમજ અમદાવાદના લોકો સાબરમતી નદી તથા સાબરમતી રિવરફ્રન્ટને ટ્રાફિક વગર શાંતિથી માણે છે.