Patan News: પાટણ જિલ્લામાં વ્યાજખોરીને લઈને માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. માત્ર 5 હજાર રૂપિયાની ઉઘરાણીના વિવાદમાં વ્યાજખોરે એક મહિલાને જીવતી સળગાવવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનામાં મહિલા ગંભીર રીતે દાઝી જતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. પોલીસે આરોપી સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મહિલાને જીવતી સળગાવવાનો પ્રયાસ | Attempt to burn woman alive
પાટણમાં વ્યાજખોરીના વિવાદે ગંભીર વળાંક લીધો છે. પ્રાથમિક માહિતી મુજબ, એક મહિલાએ વ્યાજખોર પાસેથી લીધેલી રકમમાંથી રૂપિયા 5 હજારની ઉઘરાણી બાકી હતી. વ્યાજખોરે પૈસાની માંગણી કરતાં મહિલાએ હાલમાં રૂપિયા ન હોવાની વાત કરી હતી. આ વાતથી આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને મહિલાની સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. બોલાચાલી બાદ આરોપી બાબુભાઈ રાવળે મહિલાને જીવતી સળગાવવાનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ હુમલામાં મહિલા ગંભીર રીતે દાઝી ગઈ હતી. ઘટનાના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મહિલાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.
ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ
આરોપીએ પૈસા માગતા મહિલાએ પૈસા ના હોવાનું જણાવ્યું હતું ત્યાર બાદ ઉશ્કેરાયેલા શખ્સે મહિલાને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમ સ્થળ પર પહોંચી હતી. ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યા હાલ મહિલાની સારવાર ચાલી રહી છે.
આરોપી સામે હત્યાના પ્રયાસનો ગુનો
પૈસાની નજીવી બાબતે મહિલા પર જીવલેણ હુમલો થતા ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પાટણ પોલીસે (Patan Police)બાબુભાઈ રાવળ નામના આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની સંબંધિત કલમો હેઠળ હત્યાના પ્રયાસ (Attempt to Murder)સહિતનો ગુનો નોંધ્યો છે. પોલીસ આરોપીની શોધખોળ તેમજ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. પોલીસે જણાવ્યું છે કે ઘટનાનું સાચું કારણ જાણવા માટે તમામ પાસાઓની તપાસ કરવામાં આવશે. સ્થળ પરથી પુરાવા એકત્ર કરવાની સાથે સાક્ષીઓના નિવેદનો પણ નોંધવામાં આવી રહ્યા છે. મહિલાનું નિવેદન મળ્યા બાદ જ વધુ વિગતો જાણી શકાશે.
વ્યાજખોરી સામે કડક કાર્યવાહીની માગ
આ ઘટના બાદ વિસ્તારમાં વ્યાજખોરીના ધંધા સામે કડક કાર્યવાહી કરવાની માગ ઉઠી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ગેરકાયદેસર રીતે વ્યાજના ધંધા ચલાવતા તત્વો સામે કડક પગલાં ભરવામાં આવે તો આવી ગંભીર ઘટનાઓને અટકાવી શકાય. હાલ સમગ્ર મામલે પાટણ પોલીસ વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:સુરતમાં વ્યાજખોરીના ચંગુલમાં વધુ એક જીંદગી હોમાઈ
આ પણ વાંચો:કેબલ ના વાયરો નાખતો ઈસમ વ્યાજખોરી માં કરોડપતિ બન્યો
