Morbi News/ મોરબીમાં વીજપોલ વળતર મુદ્દે ખેડૂતોનું મહા આંદોલન: 350 ગામના ખેડૂતોની કલેક્ટર કચેરી સુધી રેલી, નવી નીતિનો વિરોધ

Morbi Farmers Protest: મોરબીમાં ખાનગી વીજ કંપનીના વીજપોલ માટે જાહેર કરાયેલી નવી વળતર નીતિના વિરોધમાં 350 ગામોના ખેડૂતો અને મહિલાઓએ કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી સરકાર પાસે યોગ્ય વળતર અને ખેડૂત હિતમાં સુધારાની માંગ કરી.

Top Stories Gujarat Others Breaking News
Morbi Farmers Protest: વીજપોલ મુદ્દે ખેડૂતોની સરકારને ચેતવણી, આંદોલન વધુ તેજ કરવાની જાહેરાત

Morbi News: ગુજરાત સરકાર દ્વારા ખાનગી વીજ કંપનીઓના વીજપોલ અને હાઈટેન્શન વીજલાઈન માટે જાહેર કરાયેલી નવી વળતર નીતિ સામે મોરબી જિલ્લામાં ખેડૂતોનો વિરોધ (Morbi Farmers Protest) વધુ ઉગ્ર બન્યો છે. ‘આંદોલન પાર્ટ-3’ના ભાગરૂપે મહેન્દ્રનગર ચોકડીથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓએ રેલી કાઢી સરકાર સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરી.

આંદોલન (Morbi Farmers Protest)માં અંદાજે 1,200થી 1,500 ખેડૂતો અને મહિલાઓ જોડાયા હતા. ખેડૂતોના જણાવ્યા મુજબ મોરબી જિલ્લાના લગભગ 350 ગામોના પ્રતિનિધિઓ આ રેલીમાં હાજર રહ્યા હતા. વિવિધ ગ્રામ પંચાયતોના લેટરપેડ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપી નવી વળતર નીતિમાં ફેરફાર કરવાની માંગ કરવામાં આવી.

રેલી દરમિયાન અનેક મહિલાઓએ પણ પોતાની વ્યથા વ્યક્ત કરી. એક મહિલાએ જણાવ્યું કે તેમના ખેતરમાં ખાનગી કંપની દ્વારા વીજપોલ ઉભા કરવામાં આવ્યા છે, પરંતુ ખેતરમાં કામ કરતા પરિવારજનોને અકસ્માત થાય તો તેના માટે કોઈ વીમા સુરક્ષાની જોગવાઈ નથી. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે ખેડૂતોના જીવન કરતાં વીજપોલનું મહત્વ વધુ કેમ માનવામાં આવે છે.

ખેડૂતોનું કહેવું છે કે સરકારે ખેડૂતો સાથે ચર્ચા કર્યા વગર જ નવી વળતર નીતિ જાહેર કરી છે. તેમની માંગ ચાર ગણાં વળતરની હતી, જ્યારે જાહેર કરાયેલા પરિપત્રમાં માત્ર બે ગણાં વળતરનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ નિર્ણય ખેડૂતોને સ્વીકાર્ય નથી અને યોગ્ય સુધારા ન થાય ત્યાં સુધી આંદોલન (Morbi Farmers Protest) ચાલુ રાખવાની ચેતવણી આપવામાં આવી છે.

ખેડૂત આગેવાનોનું કહેવું છે કે ખેતરની વચ્ચે વીજપોલ ઉભા કરવાથી ખેતી, સિંચાઈ, મશીનરીની અવરજવર અને પાક ઉત્પાદન પર સીધી અસર પડે છે. તેથી જમીનના વાસ્તવિક નુકસાનને ધ્યાનમાં રાખીને યોગ્ય અને ન્યાયસંગત વળતર મળવું જોઈએ.

ખેડૂત ચંદુભાઈએ જણાવ્યું કે ખેડૂતપ્રધાન દેશમાં ખેડૂતોના પ્રશ્નોને પ્રાથમિકતા મળવી જોઈએ. સરકાર ખેડૂતોનો પક્ષ લે અને તેમની સાથે ચર્ચા કરીને નવી નીતિમાં જરૂરી ફેરફાર કરે તેવી માંગ તેમણે કરી. જો જરૂરી બનશે તો ગાંધીનગર સુધી પણ આંદોલન લઈ જવાની તૈયારી હોવાનું તેમણે જણાવ્યું.

Morbi Farmers Protest: આંદોલનની પૃષ્ઠભૂમિ

આ સમગ્ર આંદોલન (Morbi Farmers Protest)ની શરૂઆત મોરબી જિલ્લાના જેતપર ગામથી થઈ હતી. અહીં ખેડૂતો ખાનગી વીજ કંપની દ્વારા ઉભા કરાયેલા વીજપોલ સામે યોગ્ય અને સમયસર વળતરની માંગ કરી રહ્યા છે. શરૂઆતમાં પ્રતિક ઉપવાસ અને ત્યારબાદ 19 દિવસ સુધી આમરણાંત ઉપવાસ પણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સરકારે નવી વળતર નીતિ જાહેર કરી, પરંતુ ખેડૂતોના જણાવ્યા મુજબ તેમાં તેમની મુખ્ય માંગણીઓનો પૂરતો સમાવેશ થયો નથી.

ખેડૂતોની મુખ્ય માંગણીઓ

ખેડૂતોનું કહેવું છે કે ટેલીગ્રાફ એક્ટ, 1885ની કલમ 10(d) મુજબ વીજલાઈન અને વીજપોલ ઉભા કરતી કંપનીએ જમીનને ઓછામાં ઓછું નુકસાન પહોંચાડવું જોઈએ અને થતું સંપૂર્ણ નુકસાન વળતર સ્વરૂપે ચૂકવવું જોઈએ.

ખેડૂતો ગુજરાત ઊર્જા વિભાગને ખેડૂત હિતમાં નવી માર્ગદર્શિકા જાહેર કરવાની માંગ કરી રહ્યા છે. સાથે જ કેન્દ્ર સરકાર દ્વારા 14 જૂન 2024 અને 21 માર્ચ 2025ના રોજ જાહેર કરાયેલી ગાઈડલાઈનમાં પણ જરૂરી સુધારા કરીને ખેડૂતોને વધુ લાભ મળે તેવી માંગ ઉઠાવી છે. ખેડૂત આગેવાનોનું કહેવું છે કે જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આંદોલન (Morbi Farmers Protest) વધુ વ્યાપક બનાવવામાં આવશે. તેમણે સરકારને ચેતવણી આપી છે કે ખેડૂતોની અવગણના ચાલુ રહેશે તો તેનો રાજકીય અસરકારક જવાબ પણ આપવામાં આવશે.


આ પણ વાંચો:જેતપર ખેડૂત આંદોલન પાર્ટ-3 શરૂ: 12 જિલ્લાના ખેડૂતો એક મંચ પર, 2027ની ચૂંટણીને લઈને સરકારને ચીમકી

આ પણ વાંચો:જેતપર ખેડૂત આંદોલન: સરકારના વળતર પરિપત્રની કોપી સોશિયલ મીડિયામાં પહોંચી, સંપૂર્ણ અભ્યાસ બાદ લેવાશે અંતિમ નિર્ણય

આ પણ વાંચો:વીજપોલ વળતર મુદ્દે ખેડૂતોનું આંદોલન તેજ: 19 દિવસના ઉપવાસ બાદ જેતપરમાં 23 જિલ્લાના આગેવાનોની મહાબેઠક, ‘આંદોલન પાર્ટ-3’ની તૈયારી