sports news/ ફ્રાન્સ vs સ્પેન મહામુકાબલો; રોમાંચક સેમિફાઇનલ પહેલાં જાણો તમામ મહત્વની વિગતો

ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬ ના પહેલા સેમિફાઇનલમાં આજે ફ્રાન્સ (France) અને સ્પેનની ટીમો આમને-સામને ટકરાશે. કિલિયન એમબાપ્પે અને લામિન યમાલ વચ્ચેના આ રોમાંચક મુકાબલાના આંકડા, સમય અને લાઈવ સ્ટ્રીમિંગની સંપૂર્ણ વિગતો વાંચો અહીં.

Trending Sports
A Great Clash Between France and Spain

ફિફા વિશ્વકપ 2026 હવે તેના અંતિમ અને સૌથી રોમાંચક તબક્કામાં પહોંચી ગયો છે. વિશ્વ વિજેતા બનવાની રેસમાં હવે માત્ર ચાર ટીમો બચી છે, જેમાંથી પહેલો સેમિફાઇનલ મુકાબલો બે યુરોપીયન દિગ્ગજો ફ્રાન્સ (France )અને સ્પેન વચ્ચે રમાશે. આ હાઈ-વોલ્ટેજ મેચ ભારતીય સમયાનુસાર 15 જુલાઈના રોજ મોડી રાત્રે 12:30 વાગ્યે શરૂ થશે. જ્યારે બીજો સેમિફાઇનલ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિના અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે.

જો ફ્રાન્સ આ મેચ જીતશે તો તે સતત ત્રીજી વખત વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચનારી ઇતિહાસની બીજી યુરોપીયન ટીમ બનશે. બીજી તરફ, વર્તમાન યુરો ચેમ્પિયન સ્પેન પોતાના બીજા વિશ્વકપ ટાઇટલ તરફ આગળ વધવા માટે તૈયાર છે. આ સુપર મેચમાં કિલિયન એમબાપ્પે અને લામિન યમાલ જેવા દિગ્ગજ ખેલાડીઓ આમને-સામને હશે.

મેચ ક્યાં અને ક્યારે રમાશે?

આ મેચ અમેરિકાના ટેક્સાસ સ્થિત આર્લિંગ્ટનના ડલાસ સ્ટેડિયમમાં રમાશે. ભારતમાં તેનું લાઈવ પ્રસારણ ‘યુનાઈટ8 સ્પોર્ટ્સ ચેનલ’ પર અને ઓટીટી પ્લેટફોર્મ ‘ZEE5 એપ’ પર જોઈ શકાશે.

બંને ટીમોની સેમિફાઇનલ સુધીની સફર

  • ફ્રાન્સ: ગ્રુપ સ્ટેજમાં ટોપ પર રહ્યા બાદ ફ્રાન્સે રાઉન્ડ ઓફ-32માં સ્વીડનને ૩-૦થી, પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પરાગ્વેને ૧-૦થી અને ક્વાર્ટર ફાઇનલમાં મોરોક્કોને ૨-૦થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

  • સ્પેન: સ્પેને પણ પોતાના ગ્રુપમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. ત્યારબાદ નૉકઆઉટ મેચોમાં ઓસ્ટ્રિયાને ૩-૦થી, પોર્ટુગલને ૧-૦થી અને બેલ્જિયમને ૨-૧થી હરાવીને અંતિમ ચારમાં જગ્યા બનાવી છે.

ખેલાડીઓની સ્થિતિ અને સંભવિત પ્લેઇંગ ઇલેવન

ફ્રાન્સની ટીમ મેચ પહેલા કેટલીક ઇજાઓથી પરેશાન છે. મિડફિલ્ડર માનુ કોને અને ઓરેલીયન ચુઆમેની સંપૂર્ણ ફિટ નથી, જ્યારે ડિફેન્ડર ઉપામેકાનો અને વિલિયમ સલીબા પણ છેલ્લા ટ્રેનિંગ સેશનમાં ગેરહાજર રહ્યા હતા. બીજી તરફ સ્પેનની ટીમ સંપૂર્ણપણે ફિટ છે અને કોચ પાસે શ્રેષ્ઠ પ્લેઇંગ ઇલેવન ઉતારવાની તક છે.

  • ફ્રાન્સ (સંભવિત): માઇક મેગ્નન (ગોલકીપર), જુલ્સ કુંડે, ઉપામેકાનો, સલીબા, લુકાસ ડિગ્ને, માનુ કોને, એડ્રિયન રાબિયોટ, ઉસ્માન ડેમ્બેલે, માઇકલ ઓલિસે, દેઝિરે ડુએ, કિલિયન એમબાપ્પે.

  • સ્પેન (સંભવિત): ઉનાઈ સિમોન (ગોલકીપર), પેડ્રો પોરો, પાઉ કુબાર્સી, આયમેરિક લાપોર્ટે, માર્ક કુકુરેલા, રોડ્રી, ફેબિયન રુઈઝ, લામિન યમાલ, દાની ઓલ્મો, એલેક્સ બાએના, મિકેલ ઓયારઝાબલ.

બંને દેશોનો હેડ-ટુ-હેડ રેકોર્ડ

ફ્રાન્સ અને સ્પેન અત્યાર સુધીમાં ૩૮ વખત આમને-સામને આવી ચૂક્યા છે, જેમાં સ્પેનનો પક્ષ થોડો મજબૂત રહ્યો છે. વર્લ્ડ કપના ઇતિહાસમાં બંને ટીમો છેલ્લે ૨૦૦૬માં ભિડાઈ હતી, જેમાં ફ્રાન્સે સ્પેનને ૩-૧થી હરાવ્યું હતું. જો કે, તાજેતરના રેકોર્ડ્સ જોઈએ તો સ્પેને યુરો ૨૦૨૪ અને નેશન્સ લીગ ૨૦૨૫ના સેમિફાઇનલમાં ફ્રાન્સને પરાજય આપ્યો હતો.

બંને ટીમોની તાકાત અને નબળાઈ

ફ્રાન્સની ખરી તાકાત તેનું આક્રમણ (એટેકિંગ ગેમ) છે. એમબાપ્પે (૮ ગોલ સાથે ગોલ્ડન બૂટની રેસમાં આગળ), ડેમ્બેલે અને ઓલિસે જેવા ખેલાડીઓ ગમે તેવા ડિફેન્સને તોડી શકે છે. નૉકઆઉટમાં ફ્રાન્સે એકપણ ગોલ ખાધો નથી. સ્પેનની તાકાત તેનું મજબૂત ડિફેન્સ છે, જેણે આખા ટૂર્નામેન્ટમાં માત્ર એક જ ગોલ ગુમાવ્યો છે. રોડ્રી મિડફિલ્ડને સંભાળે છે, પરંતુ સ્પેનનું આક્રમણ ક્યારેક ધીમું પડી જાય છે.

એમબાપ્પે vs યમાલ: રેકોર્ડ્સની ટક્કર

આ મેચમાં બે ખાસ રેકોર્ડ્સ દાવ પર લાગશે. ૧૮ વર્ષીય સ્ટાર લામિન યમાલ નૉકઆઉટ મેચોમાં એમબાપ્પે સામે ક્યારેય હાર્યો નથી. બીજી તરફ, એમબાપ્પે જ્યારે પણ ફ્રાન્સની પ્લેઇંગ ઇલેવનમાં રહ્યો છે, ત્યારે ફ્રાન્સ ક્યારેય નિર્ધારિત સમય કે એક્સ્ટ્રા ટાઇમમાં વર્લ્ડ કપ મેચ હાર્યું નથી. જો મેચ ૯૦ મિનિટમાં ડ્રો રહેશે, તો ૩૦ મિનિટનો એક્સ્ટ્રા ટાઇમ આપવામાં આવશે અને ત્યારબાદ પણ પરિણામ ન આવે તો પેનલ્ટી શૂટઆઉટથી વિજેતા નક્કી થશે. આ મેચની વિજેતા ટીમ ૧૯ જુલાઈએ ન્યૂ જર્સીમાં યોજાનારી ફાઇનલમાં ઇંગ્લેન્ડ અથવા આર્જેન્ટિના સામે ટકરાશે.


આ પણ વાંચો :લોર્ડ્સમાં ભારતની ઐતિહાસિક જીત, મહિલા ટીમે ઇંગ્લેન્ડને 270 રને હરાવ્યું

આ પણ વાંચો :CSKને મોટો ઝટકો, સ્ટીફન ફ્લેમિંગે 18 વર્ષ બાદ હેડ કોચ પદ છોડ્યું

આ પણ વાંચો :21 વર્ષની લિન્ડા નોસ્કોવા બની વિમ્બલ્ડન ચેમ્પિયન, મુહોવાને હરાવી જીત્યું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ