sports news/ 21 વર્ષની લિન્ડા નોસ્કોવા બની વિમ્બલ્ડન ચેમ્પિયન, મુહોવાને હરાવી જીત્યું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ

વિમ્બલ્ડન 2026 ની રોમાંચક વુમન્સ સિંગલ્સ ફાઇનલમાં ચેક રિપબ્લિકની 21 વર્ષની લિન્ડા નોસ્કોવા(Linda Noskova) એ કેરોલિના મુહોવાને હરાવીને પોતાના કરિયરનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતી લીધું છે. જીત બાદ તે ભાવુક થઈ ગઈ હતી.

Sports Trending
21-year-old Linda Noskova becomes the new Wimbledon champion.

વિમ્બલ્ડન 2026 ના વુમન્સ સિંગલ્સમાં ટેનિસ જગતને એક નવો ચહેરો મળ્યો છે. ચેક રિપબ્લિકની 21 વર્ષીય યુવા ખેલાડી લિન્ડા નોસ્કોવા(Linda Noskova)એ ઇતિહાસ રચતા વિમ્બલ્ડન 2026 નો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. ઓલ ઇંગ્લેન્ડ ક્લબના સેન્ટર કોર્ટ પર રમાયેલી એક રોમાંચક ફાઇનલ મેચમાં નવમી સીડ નોસ્કોવાએ પોતાની જ દેશની ખેલાડી કેરોલિના મુહોવાને 6-2, 5-7, 6-3 થી પરાજય આપ્યો હતો. વિમ્બલ્ડનના લાંબા ઇતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે જ્યારે ફાઇનલ મુકાબલો ચેક રિપબ્લિકની જ બે ખેલાડીઓ વચ્ચે રમાયો હોય. આ ઐતિહાસિક જીત સાથે નોસ્કોવાને આશરે 38.5 કરોડ રૂપિયા ની ઇનામી રકમ મળશે અને તે ડબલ્યુટીએ (WTA) રેન્કિંગમાં પોતાના કરિયરના સર્વશ્રેષ્ઠ 7મા સ્થાને પહોંચી જશે.

ચેક ખેલાડીઓનો દબદબો કાયમ, 4 વર્ષમાં ત્રીજી ચેમ્પિયન

લિન્ડા નોસ્કોવાની આ જીત સાથે જ વિમ્બલ્ડન કોર્ટ પર ચેક રિપબ્લિકના ખેલાડીઓનો દબદબો ફરી એકવાર સાબિત થયો છે. છેલ્લા ચાર વર્ષની અંદર વિમ્બલ્ડન વુમન્સ સિંગલ્સ ટ્રોફી જીતનારી નોસ્કોવા ત્રીજી ચેક ટેનિસ પ્લેયર બની ગઈ છે. આ અગાઉ વર્ષ 2023 માં માર્કેટા વોન્ડ્રોસોવા અને વર્ષ 2024 માં બાર્બોરા ક્રેજિકોવાએ આ પ્રતિષ્ઠિત ખિતાબ પર કબજો કર્યો હતો.

જીતની નજીક પહોંચીને દબાણમાં આવી ગઈ હતી નોસ્કોવા

આ હાઈ-વોલ્ટેજ મેચમાં એક સમયે લિન્ડા નોસ્કોવા ખૂબ જ આસાનીથી જીત તરફ આગળ વધી રહી હતી. તે બીજા સેટમાં 6-2, 5-2 થી આગળ હતી અને જીતથી માત્ર થોડા જ પોઇન્ટ દૂર હતી. આ સમયે દસમી સીડ કેરોલિના મુહોવાએ અદ્ભુત પુનરાગમન કર્યું અને સતત પાંચ ગેમ જીતીને બીજો સેટ 7-5 થી પોતાના નામે કરી લીધો. અચાનક વધેલા દબાણને કારણે નોસ્કોવા કોર્ટ પર બેચેન દેખાતી હતી. તે સ્ટેડિયમના અવાજથી બચવા કાનમાં આંગળીઓ નાખતી અને ચેન્જઓવર દરમિયાન ટુવાલમાં મોં છુપાવતી જોવા મળી હતી. જોકે, આ આકરા દબાણ વચ્ચે પણ તેણે હિંમત ન હારી અને ત્રીજા સેટમાં શાનદાર વાપસી કરીને ટ્રોફી ઉઠાવી લીધી.

જીત બાદ ભાવુક થઈ: સ્વર્ગસ્થ માતાને ટ્રોફી સમર્પિત કરી

ઐતિહાસિક વિજય મેળવ્યા બાદ લિન્ડા નોસ્કોવા કોર્ટ પર જ બેસી ગઈ હતી અને તેની આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા. પ્રેઝન્ટેશન સેરેમની દરમિયાન સ્પીચ આપતી વખતે તે ભારે હૈયે રડી પડી હતી. તેણે આકાશ તરફ જોઈને ફ્લાઈંગ કિસ કરી અને પોતાની દિવંગત માતાને યાદ કરી હતી. નોસ્કોવાએ જણાવ્યું કે, ‘બરાબર બે વર્ષ પહેલાં વિમ્બલ્ડન ટૂર્નામેન્ટ શરૂ થવાના થોડા દિવસો પહેલાં જ મારી માતા ઇવાનાનું અવસાન થયું હતું. આજે હું જે કંઈ પણ છું તે તેમના કારણે જ છું.’ આ સાથે જ તેણે પોતાના પિતાનો પણ આભાર માન્યો, જેઓ ફ્લાઇટના ડર હોવા છતાં પોતાની દીકરીની ઐતિહાસિક મેચ જોવા લંડન આવ્યા હતા.

હવે વુમન્સ સિંગલ્સના આ રોમાંચક અંત બાદ રવિવારે રાત્રે 8:30 કલાકે મેન્સ સિંગલ્સનો ફાઇનલ જંગ જામશે, જેમાં વર્લ્ડ નંબર 1 જેનિક સિનર અને વર્લ્ડ નંબર 2 એલેક્ઝાન્ડર ઝ્વેરેવ આમને-સામને ટકરાશે.


આ પણ વાંચો :FIFA વર્લ્ડ કપ 2026: નોર્વે સામેની ક્વાર્ટર ફાઇનલ પહેલા ઇંગ્લેન્ડને મોટો ફટકો; જાહેરાતના બોર્ડ પરથી કૂદતા પ્લેયર થયો ઇજાગ્રસ્ત

આ પણ વાંચો :ફિફા વર્લ્ડ કપ 2026: ઇજિપ્ત સામે આર્જેન્ટિનાની શ્વાસ અધ્ધર કરતી જીત; મેસીએ રચ્યો ઇતિહાસ

આ પણ વાંચો :ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર સંભાળશે સુકાન