ફિફા વર્લ્ડ કપ 2026ની શરૂઆત ભલે ઇંગ્લેન્ડ માટે ધીમી રહી હોય, પરંતુ કેપ્ટન હેરી કેનની આગેવાનીમાં ટીમે શાનદાર લય પકડીને ક્વાર્ટર ફાઇનલ (WorldCupQuarterFinal) માં જગ્યા બનાવી લીધી છે. જોકે, આગામી રવિવારે નોર્વે સામે રમાનારા મહામુકાબલા પહેલા ઇંગ્લેન્ડ (England)ની ટીમને બહુ મોટો ઝટકો લાગ્યો છે. ટીમના સિનિયર મિડફિલ્ડર જોર્ડન હેન્ડરસન (JordanHenderson) ડાબા હાથમાં ગંભીર ફ્રેક્ચર થવાને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. નવાઈની વાત એ છે કે આ ઇજા રમત દરમિયાન નહીં, પરંતુ જીતની અનોખી ઉજવણી કરતી વખતે થઈ હતી.
જાહેરાતના બોર્ડ પરથી કૂદકો મારવો ભારે પડ્યો
રાઉન્ડ ઓફ 16 ની રોમાંચક મેચમાં ઇંગ્લેન્ડે યજમાન મેક્સિકોને 3-2 થી હરાવીને આગલા રાઉન્ડની ટિકિટ મેળવી હતી. આ મોટી જીત બાદ મેદાન પર જ સેલિબ્રેશન શરૂ થઈ ગયું હતું. ઇંગ્લેન્ડના ખેલાડીઓ ફેન્સનું અભિવાદન ઝીલીને પરત ફરી રહ્યા હતા, ત્યારે 36 વર્ષીય હેન્ડરસને મેદાનની બાજુમાં લગાવેલા ડિજિટલ એડવર્ટાઇઝમેન્ટ બોર્ડ પરથી કૂદવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેમનું સંતુલન બગડ્યું અને તેઓ મેદાન પર જોરદાર પટકાયા હતા. જમીન પર પડતાં જ તેમનો ડાબો હાથ વળી ગયો અને તેઓ દર્દથી ચીસ પાડી ઉઠ્યા હતા. મેડિકલ સ્ટાફે તાત્કાલિક તેમને સ્ટ્રેચર પર મેદાનની બહાર લઈ જવા પડ્યા હતા.
સર્જરી થઈ, પણ સેમિફાઇનલ રમવું પણ મુશ્કેલ
અકસ્માત બાદ મેક્સિકો સિટીની સ્થાનિક હોસ્પિટલમાં હેન્ડરસનની તપાસ કરાતા હાથમાં ગંભીર ફ્રેક્ચર હોવાનું સામે આવ્યું હતું. ડૉક્ટરોને તુરંત ઓપરેશન કરવું પડ્યું હતું. સર્જરી સફળ રહ્યા બાદ હેન્ડરસને હોસ્પિટલના બેડ પરથી જ ફેન્સ સાથે તસવીર શેર કરીને પોતાનું હેલ્થ અપડેટ આપ્યું હતું. હાલમાં તેઓ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને કેન્સાસ સિટી (અમેરિકા) ખાતે ઇંગ્લેન્ડના પ્લેઇંગ કેમ્પમાં જોડાઈ ગયા છે. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, હેન્ડરસન નોર્વે સામેની મેચમાં રમી શકશે નહીં. એટલું જ નહીં, જો ઇંગ્લેન્ડ સેમિફાઇનલમાં ક્વોલિફાય કરશે તો પણ તેમની વાપસી અશક્ય લાગી રહી છે.
