ફિફા વર્લ્ડ કપ (FIFA World Cup )2026ના રાઉન્ડ ઓફ 16ના એક અત્યંત રોમાંચક મુકાબલામાં ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાએ ઇજિપ્ત સામે 3-2થી યાદગાર જીત મેળવીને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા પાકી કરી લીધી છે. એટલાન્ટામાં રમાયેલી આ મેચમાં એક સમયે આર્જેન્ટિના પર ટૂર્નામેન્ટમાંથી બહાર થવાનું મોટું સંકટ તોળાઈ રહ્યું હતું. હવે શનિવાર, 11 જુલાઈના રોજ કેન્સાસ સિટીમાં રમાનારી ક્વાર્ટર ફાઇનલમાં આર્જેન્ટિનાનો સામનો સ્વિટ્ઝર્લેન્ડ અને કોલંબિયા વચ્ચેની મેચના વિજેતા સામે થશે.
ઇજિપ્તે શરૂઆતમાં આર્જેન્ટિનાને ચોંકાવ્યું, મેસી પેનલ્ટી ચૂક્યા
મેચની શરૂઆત ઇજિપ્ત માટે શાનદાર રહી હતી. 15મી મિનિટે યાસિર ઇબ્રાહિમે શાનદાર હેડર લગાવીને ઇજિપ્તને 1-0ની સરસાઈ અપાવી દીધી હતી. ત્યારબાદ 21મી મિનિટે આર્જેન્ટિનાને મેચમાં વાપસી કરવાની સુવર્ણ તક મળી, પરંતુ ફૂટબોલ જગતના દિગ્ગજ લિયોનેલ મેસી પેનલ્ટીને ગોલમાં બદલવામાં નિષ્ફળ રહ્યા. ઇજિપ્તના ગોલકીપર મુસ્તફા શોબૈરે શાનદાર બચાવ કરીને મેસીના શૉટને રોકી લીધો હતો. પ્રથમ હાફના અંત સુધી ઇજિપ્તની ટીમ 1-0થી આગળ રહી હતી.
બીજા હાફમાં રોમાંચ ચરમસીમાએ: એન્ઝો ફર્નાન્ડીઝનો વિનિંગ ગોલ
બીજા જુસ્સા સાથે મેદાનમાં ઉતરેલી ઇજિપ્તની ટીમે 67મી મિનિટે મોસ્તફા ઝિકોના ગોલની મદદથી સ્કોર 2-0 કરી દીધો હતો. આર્જેન્ટિના માટે અહીંથી જીતવું અશક્ય લાગતું હતું, પરંતુ છેલ્લી મિનિટોમાં ચેમ્પિયન ટીમે ચમત્કારિક વાપસી કરી. ક્રિસ્ટિયન રોમેરોએ 79મી મિનિટે ટીમ માટે પ્રથમ ગોલ કર્યો. ત્યારબાદ 83મી મિનિટે લિયોનેલ મેસીએ ગોલ કરીને સ્કોર 2-2 ની બરાબરી પર લાવી દીધો. મેચ જ્યારે ડ્રો તરફ વધી રહી હતી, ત્યારે ઇન્જરી ટાઇમ (સ્ટોપેજ ટાઇમ) માં એન્ઝો ફર્નાન્ડીઝે ધમાકેદાર હેડર ગોલ કરીને આર્જેન્ટિનાને 3-2થી ઐતિહાસિક જીત અપાવી દીધી.
લિયોનેલ મેસીએ રચ્યો નવો કીર્તિમાન
ભલે મેસી શરૂઆતમાં પેનલ્ટી ચૂકી ગયા, પરંતુ મેચના અંત ભાગમાં ગોલ કરીને તેમણે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. મેસી આર્જેન્ટિના તરફથી કોઈ એક સિંગલ વર્લ્ડ કપ એડિશનમાં 8 ગોલ કરનારા બીજા ખેલાડી બની ગયા છે. આ મામલે તેમણે દેશના મહાન ફૂટબોલર ગિલેર્મો સ્ટેબિલની બરાબરી કરી લીધી છે.
