Surat News/ દક્ષિણ ગુજરાતમાં વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો, 4 દિવસમાં 3 હજારથી વધુ મુસાફરોએ ટિકિટ રદ કરાવી

Surat Railway: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે બોરીવલી-સુરત રેલ માર્ગ પર ટ્રેન વ્યવહાર ખોરવાયો

Top Stories Gujarat
surat

Surat Railway News: દક્ષિણ ગુજરાતમાં સતત વરસેલા ભારે વરસાદની સીધી અસર પશ્ચિમ રેલવેના ટ્રેન વ્યવહાર પર જોવા મળી છે. બોરીવલી-સુરત રેલ માર્ગ પર કેટલાક સ્થળોએ પાટા ધોવાઈ જવા અને રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જતાં અનેક ટ્રેનોના સમયપત્રકમાં ભારે વિક્ષેપ સર્જાયો હતો. જેના કારણે હજારો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

વરસાદી પરિસ્થિતિને કારણે અનેક ટ્રેનો રદ કરવામાં આવી હતી, જ્યારે ઘણી ટ્રેનોને વૈકલ્પિક રૂટ પરથી દોડાવવાની ફરજ પડી હતી. ટ્રેનોના અનિશ્ચિત સંચાલનને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં મુસાફરોએ પોતાની મુસાફરી મોકૂફ રાખી અને ટિકિટો રદ કરાવી દીધી હતી.

માત્ર ચાર દિવસ દરમિયાન સુરત અને આસપાસના રેલવે સ્ટેશનો પરથી 3 હજારથી વધુ મુસાફરોએ ટિકિટ કેન્સલ કરાવી હતી. તેના પરિણામે પશ્ચિમ રેલવેને અંદાજે રૂ. 22.42 લાખથી વધુની રકમ રિફંડ તરીકે ચૂકવવી પડી હોવાનું જાણવા મળ્યું છે.

વસઈ-વિરાર તેમજ સચિન-ભેસ્તાન રેલવે સેક્શનમાં 7 અને 8 જુલાઈ દરમિયાન જળબંબાકારની સ્થિતિ સર્જાતા ટ્રેન વ્યવહાર સૌથી વધુ પ્રભાવિત થયો હતો. ત્યારબાદ 9 જુલાઈથી સ્થિતિ સામાન્ય થવાની શરૂઆત થઈ હતી. જોકે, લિંક એન્જિન અને કોચ સમયસર ઉપલબ્ધ ન થતાં અનેક ટ્રેનો કલાકો સુધી મોડી દોડી હતી.

સૌથી વધુ અસર 8 જુલાઈના રોજ જોવા મળી હતી. એક જ દિવસમાં 1,145 મુસાફરોએ પોતાની ટિકિટો રદ કરાવી હતી. મુસાફરોને અગવડ ન પડે તે માટે રેલવે તંત્રએ રિફંડ પ્રક્રિયા ઝડપી બનાવી હતી.

સુરત, ઉધના, સચિન, ભેસ્તાન અને મારોલી રેલવે સ્ટેશનના પીઆરએસ (PRS) કાઉન્ટર પરથી મુસાફરોએ ટિકિટો રદ કરાવી હતી. હાલમાં ટ્રેન વ્યવહાર ફરી નિયમિત થઈ ગયો હોવાનું પશ્ચિમ રેલવેના અધિકારીઓએ જણાવ્યું છે.


આ પણ વાંચો : અમદાવાદમાં અનુપમ બ્રિજ 5 દિવસ બંધ રહેશે,બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મેગા ટ્રાફિક બ્લોક જાહેર

આ પણ વાંચો : છોટા ઉદેપુરમાં ભારે પવન સાથે વરસાદ, રેલવે ટ્રેક પર વૃક્ષ પડતાં ટ્રેન વ્યવહાર ખોરવાયો

આ પણ વાંચો : શું ટ્રેનમાં કાર મોકલી શકાય છે? જાણો ભારતીય રેલ્વેની વાહન પાર્સલ સેવા વિશે સંપૂર્ણ માહિતી