Gujarat News: ગુજરાતમાં વીજપોલ વળતર નીતિ (Power Pole Compensation Policy)ને લઈને ખેડૂતોનો વિરોધ હવે વધુ ઉગ્ર બનતો જઈ રહ્યો છે. છેલ્લા 19 દિવસથી ચાલી રહેલા આમરણાંત ઉપવાસનો અંત આવ્યો હોવા છતાં ખેડૂતોની લડત અટકી નથી. હવે ખેડૂત સંગઠનોએ રાજ્યવ્યાપી સ્તરે વધુ વ્યાપક અને સંગઠિત આંદોલન શરૂ કરવાની જાહેરાત સાથે ‘આંદોલન પાર્ટ-3’ માટે તૈયારીઓ શરૂ કરી છે.
Power Pole Compensation Policy: ખેડૂતો આરપારના મૂડમાં
આંદોલનની આગામી દિશા અને વ્યૂહરચના નક્કી કરવા માટે 8 અને 9 જુલાઈએ મોરબી જિલ્લાના જેતપર ગામે ગુજરાતના 23 જિલ્લાના ખેડૂત આગેવાનોની મહત્વપૂર્ણ મહાબેઠક યોજાઈ રહી છે. બે દિવસીય બેઠકમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી આવેલા પ્રતિનિધિઓ આંદોલનને વધુ મજબૂત અને વ્યાપક બનાવવા અંગે ચર્ચા કરી રહ્યા છે.
ખેડૂતોનો આક્ષેપ છે કે હાલ અમલમાં રહેલી વીજપોલ વળતર નીતિ (Power Pole Compensation Policy) ખેડૂતોના હિતોને પૂરતું રક્ષણ આપતી નથી. તેમનું કહેવું છે કે ખેતીની જમીન અને પાકને થતા નુકસાન સામે યોગ્ય અને ન્યાયસંગત વળતર મળતું નથી. ઉપરાંત નીતિ ઘડતી વખતે ખેડૂતો સાથે પૂરતી ચર્ચા કે પરામર્શ પણ કરવામાં આવ્યો નહોતો, જેના કારણે અસંતોષ વધ્યો છે.
જેતપરમાં યોજાયેલી બેઠકમાં આગામી આંદોલનની રૂપરેખા ઉપરાંત રાજ્યસ્તરીય સંકલન માટે નવી ખેડૂત કમિટીની રચના અંગે પણ ચર્ચા કરવામાં આવી રહી છે. ખેડૂત આગેવાનોના જણાવ્યા મુજબ, આ કમિટી સરકાર અને સંબંધિત વીજ કંપનીઓ સમક્ષ ખેડૂતોના પ્રશ્નોને વધુ અસરકારક રીતે રજૂ કરશે.
ખેડૂત સંગઠનોએ સ્પષ્ટ કર્યું છે કે ઉપવાસ આંદોલન માત્ર પ્રથમ તબક્કો હતો અને હવે લડત વધુ સંગઠિત સ્વરૂપમાં આગળ વધશે. સમગ્ર ગુજરાતના ખેડૂતોને એક મંચ પર લાવી રાજ્યવ્યાપી કાર્યક્રમો જાહેર કરવાની તૈયારી ચાલી રહી છે. મહાબેઠક પૂર્ણ થયા બાદ ‘આંદોલન પાર્ટ-3’ની સત્તાવાર રૂપરેખા અને આગામી કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. ખેડૂતોનું કહેવું છે કે જ્યાં સુધી વીજપોલ વળતર નીતિ (Power Pole Compensation Policy)માં સુધારા કરીને યોગ્ય વળતર આપવામાં નહીં આવે, ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે.
આ પણ વાંચો:100 ટ્રેક્ટર સાથે ખેડૂતો જેતપર પહોંચ્યા, ખેડૂત આંદોલનને રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાના ભાઈઓનું સમર્થન
