Sabar Kantha News:સાબરકાંઠા જિલ્લાના દેરોલ ગામમાં એક ફ્લોર મિલમાં ચાર શખ્સોની ટોળકીએ ધમકીઓ આપી છેતરપિંડીનો પ્રયાસ કર્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ટોળકીએ પોલીસ, પત્રકાર અને સમન્વય સમિતિની ખોટી ઓળખ આપી, ફ્લોર મિલના સંચાલકો પાસેથી પૈસાની માંગણી કરી અને દાદાગીરીનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને પગલે ગ્રામ્ય પોલીસે ચારેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી, ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે.
આ ઘટના દેરોલ ગામમાં આવેલી એક ફ્લોર મિલમાં બની છે, જ્યાં બે મહિલાઓ અને બે પુરુષોનો સમાવેશ ધરાવતી આ ટોળકીએ ફ્લોર મિલમાં પ્રવેશ કર્યો હતો. આ શખ્સોએ પોતાને પોલીસ અધિકારીઓ અને પત્રકાર તેમજ સમન્વય સમિતિના સભ્યો તરીકે ઓળખ આપી, મિલના સંચાલકોને ધમકાવ્યા હતા. તેઓએ 9 ટ્રકો સહિત 1.43 લાખ ટન ઘઉંનો જથ્થો અટકાવવાની ધમકી આપી અને મોટી રકમની માંગણી કરી હતી. આ ઉપરાંત, તેઓએ મામલતદાર સહિતના અધિકારીઓને બોલાવી કાર્યવાહી કરવાની ધમકી પણ આપી હતી.
ફ્લોર મિલના સંચાલકોએ આ ધમકીઓ અને દાદાગીરીનો વિરોધ કર્યો અને તાત્કાલિક ગ્રામ્ય પોલીસને જાણ કરી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી, પ્રાથમિક તપાસ હાથ ધરી અને પૂરાવાઓ એકઠા કર્યા હતા. તપાસ દરમિયાન આ ટોળકીની ઓળખ ખોટી હોવાનું સામે આવ્યું, જેના આધારે ચારેય શખ્સો વિરુદ્ધ છેતરપિંડી અને ધમકીનો ગુનો નોંધવામાં આવ્યો.
પોલીસે આરોપીઓની ધરપકડ માટે ઝડપી તજવીજ હાથ ધરી છે અને વધુ તપાસ ચાલુ છે.આ ઘટનાએ દેરોલ અને આસપાસના વિસ્તારોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ખોટી ઓળખ આપીને ધંધા-રોજગાર કરતા લોકોને ધમકાવવાનો આ પ્રયાસ ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. સ્થાનિક વેપારીઓ અને ઉદ્યોગકારોમાં આ ઘટનાને લઈને રોષ જોવા મળી રહ્યો છે, અને તેઓએ પોલીસ પાસે આવા ગુનાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
આ પણ વાંચો:મહેસાણામાં સરકારી વકીલ ભરત પટેલ સાથે 12.10 લાખની છેતરપિંડી
આ પણ વાંચો:સાબરકાંઠાના ઈડરના માઢવા ગામે કાળા જાદુના નામે છેતરપિંડી
