Stock market News: મિડલ ઈસ્ટમાં તણાવ ઘટતા અને હોર્મુઝ સંકટ હળવું પડતાં ભારત માટે રાહતના સમાચાર આવ્યા છે. તેની સીધી અસર ભારતીય શેરબજાર (Stock market) માં જોવા મળી, જ્યાં બુધવારે બજાર ખુલતા જ જબરદસ્ત તેજી જોવા મળી. થોડા જ સમયમાં રોકાણકારોની સંપત્તિમાં 5 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો. સેન્સેક્સ 900થી વધુ અંક ઉછળી 77,879.68ના ઇન્ટ્રાડે હાઈ સુધી પહોંચ્યો, જ્યારે બીએસઈનું માર્કેટ કેપ વધીને 471 લાખ કરોડ રૂપિયા થયું. બજારમાં આવેલી આ તેજીને રોકાણકારો માટે મોટી રાહત અને ખુશખબર માનવામાં આવી રહી છે.
સવારે લગભગ 11 વાગ્યે ભારતીય શેરબજાર (Stock market) માં જોરદાર તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 953.59 અંક અથવા 1.24 ટકા વધીને 77,840.50 પર પહોંચ્યો, જ્યારે નિફ્ટી 289.10 અંક અથવા 1.2 ટકા ઉછળી 24,284.80 પર ટ્રેડ થઈ રહ્યો હતો. બજારમાં વ્યાપક ખરીદીનો માહોલ રહ્યો, જેમાં આશરે 2155 શેરોમાં વધારો નોંધાયો, 1229 શેરોમાં ઘટાડો થયો અને 174 શેરોમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નહોતો.

તમામ 16 મુખ્ય સેક્ટોરલ ઈન્ડેક્સ લીલા નિશાનમાં કારોબાર કરતા હતા. સાથે જ નિફ્ટી સ્મોલકેપ 100માં 0.96 ટકા અને નિફ્ટી મિડકેપ 100માં 0.76 ટકાનો વધારો નોંધાતા બજારમાં સકારાત્મક ભાવના વધુ મજબૂત બની હતી.
આ 4 કારણોથી શેરબજારમાં તેજી
વેલ્યૂ બાયિંગથી શેરબજારમાં જોરદાર રિકવરી
ભારતીય શેરબજારમાં તેજી પાછળ અનેક સકારાત્મક પરિબળોએ કામ કર્યું. અગાઉના સેશનમાં થયેલા ઘટાડા બાદ ઓટો, રિયલ્ટી, IT અને FMCG જેવા ક્ષેત્રોમાં વેલ્યૂ બાયિંગ જોવા મળી, જેના કારણે રોકાણકારોએ ખરીદી વધારી. મંગળવારે સેન્સેક્સ 416.72 અંક ઘટીને 76,886.91 પર અને નિફ્ટી 97 અંક ઘટીને 23,995.70 પર બંધ થયો હતો, જેના બાદ બુધવારે બજારમાં રિકવરી જોવા મળી.
તેલમાં નરમાઈથી શેરબજારને મળ્યો બૂસ્ટ
કાચા તેલના ભાવમાં નરમાઈ પણ બજાર માટે સકારાત્મક સાબિત થઈ. બ્રેન્ટ ક્રૂડ 0.21 ટકા ઘટીને પ્રતિ બેરલ 111 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો હતો. તેલના ભાવ ઘટતાં ભારતનું ઈમ્પોર્ટ બિલ ઓછું થવાની શક્યતા વધી, જે ટ્રેડ ડેફિસિટ અને રૂપિયાના દબાણ ઘટાડવામાં મદદરૂપ બને છે. સાથે જ ટ્રાન્સપોર્ટ, એવિએશન અને મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોની ઇનપુટ કોસ્ટ ઘટવાથી કંપનીઓના માર્જિનને પણ સપોર્ટ મળ્યો.
એશિયાઈ બજારોની તેજી
એશિયાઈ બજારોમાંથી મળેલા મજબૂત સંકેતો પણ તેજી માટે જવાબદાર રહ્યા. સાઉથ કોરિયાનું કોસ્પી, શાંઘાઈનું SSE કોમ્પોઝિટ અને હોંગકોંગનું હેંગ સેંગ વધારા સાથે ટ્રેડ થતા ભારતીય બજારનું સેન્ટિમેન્ટ મજબૂત બન્યું.
મજબૂત Q4 પરિણામોથી શેરબજાર (Stock market) માં તેજી
ચોથી ત્રિમાસિકના મજબૂત પરિણામોએ પણ બજારમાં ઉત્સાહ વધાર્યો. મારુતિ સુઝુકીના શેરમાં 4 ટકાનો ઉછાળો આવ્યો, જ્યારે ઓટો ઈન્ડેક્સ 2.5 ટકા સુધી વધી ટોપ સેક્ટોરલ ગેનર બન્યો. ઉપરાંત ઈટર્નલના શેરમાં 2 ટકા અને સ્ટાર હેલ્થમાં 8.6 ટકાનો વધારો નોંધાતા રોકાણકારોનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો.
આ પણ વાંચો: ગેરંટી વગર મળશે બિઝનેસ લોન! કેબિનેટ ટૂંક સમયમાં લેશે ₹2.5 લાખ કરોડનો નિર્ણય, જાણો લેટેસ્ટ અપડેટ
આ પણ વાંચો: એક, બે કે ત્રણ નહિં પરંતુ પૂરા 12 દિવસ મે મહિનામાં બેન્ક બંધ રહેશે…આ રહ્યું રજાઓનું કેલેન્ડર…
આ પણ વાંચો: RBIના એક્શનથી તૂટી પડ્યો આ સ્ટોક ,પળવારમાં ₹5,800 કરોડનું ધોવાણ!
