Gujarat News/ ગુજરાતમાં કોડીનયુક્ત દવાઓ સામે કાર્યવાહી: Rexton-T Syrupનો ₹83.07 લાખનો જથ્થો પ્રતિબંધિત, 7 પેઢીને નોટિસ

ગુજરાતમાં કોડીનયુક્ત દવાઓના ગેરકાયદે વેચાણ સામે કાર્યવાહી, Rexton-T Syrupનો ₹83.07 લાખનો જથ્થો પ્રતિબંધિત અને એક પેઢીનો પરવાનો રદ.

Top Stories Gujarat Others Breaking News
Rexton-T Syrupનો ₹83 લાખનો જથ્થો પ્રતિબંધિત, દવા વેપારીઓ સામે કાર્યવાહી

Gujarat News: ગુજરાતમાં કોડીન ઘટક ધરાવતી દવાઓના (Rexton-T Syrup) ગેરકાયદે સંગ્રહ, અનધિકૃત વેચાણ અને ગેરઉપયોગને અટકાવવા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી સ્પેશ્યલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની સૂચના બાદ 1 સપ્ટેમ્બર, 2026થી શરૂ થયેલી આ ઝુંબેશ અંતર્ગત અમદાવાદ, મહેસાણા સહિતના વિસ્તારોમાં હોલસેલ અને રિટેલ દવા વેપારીઓની તપાસ કરવામાં આવી રહી છે.

આ તપાસ દરમિયાન અમદાવાદ ગ્રામ્ય-ગાંધીનગર વિસ્તારમાં આવેલી બાલાજી ફાર્મામાંથી કોડીનયુક્ત Rexton-T Syrupની 37,762 બોટલ મળી આવી હતી. એક બોટલની MRP ₹220 ગણવામાં આવતા સમગ્ર જથ્થાની કિંમત ₹83,07,640 થાય છે. દવાના વધુ ઉપયોગ કે વેચાણને રોકવા માટે આ સમગ્ર જથ્થો પ્રતિબંધિત કરવામાં આવ્યો છે.

બાલાજી ફાર્મામાં Rexton-T Syrupની 37,762 બોટલ મળી

બાલાજી ફાર્મામાં તપાસ દરમિયાન કોડીન ઘટક ધરાવતી Rexton-T Syrupનો મોટો જથ્થો મળી આવ્યો હતો. નિયમ મુજબ વધુ તપાસ અને પૃથ્થકરણ માટે દવાના નમૂના પણ લેવામાં આવ્યા છે. પેઢીના ખરીદ-વેચાણના રેકોર્ડની તપાસ દરમિયાન પેઢીનો વ્યવસાય મુખ્યત્વે કોડીનયુક્ત દવાઓ સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું હતું. આ મામલે પેઢીને કારણદર્શક નોટિસ પાઠવીને તેનો ખુલાસો માંગવામાં આવ્યો છે.

Rexton-T Syrup: કલોલની હેલ્થ પોઇન્ટ ફાર્માનો પરવાનો રદ

આ ઉપરાંત કલોલની હેલ્થ પોઇન્ટ ફાર્મામાં 31 ઓગસ્ટે કરવામાં આવેલી તપાસ દરમિયાન કેટલીક ક્ષતિઓ સામે આવી હતી. પેઢીને કારણદર્શક નોટિસ આપી ખુલાસો માંગવામાં આવ્યો હતો. જોકે, પેઢી દ્વારા આપવામાં આવેલો ખુલાસો સંતોષકારક ન જણાતા દવા વેચાણનો પરવાનો રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અન્ય પેઢીઓ પણ તપાસના દાયરામાં

કોડીનયુક્ત દવાઓના વેચાણ અને ખરીદીના રેકોર્ડની તપાસ દરમિયાન અન્ય કેટલીક પેઢીઓમાં પણ ક્ષતિઓ સામે આવી છે. તેમાં ચાંગોદરની ફાર્માલિન લાઈફસાયન્સિસ, સાંતેજની રેઈન રેમેડીઝ, વિસનગરની કેપિટલ ફાર્મા, અમદાવાદ-1ની HRDM ગ્લોબલ સોલ્યુશન્સ અને જય અંબે ડિસ્ટ્રિબ્યુટર્સનો સમાવેશ થાય છે. આ પેઢીઓના ખરીદ-વેચાણના બિલો, રેકોર્ડ અને અન્ય સંબંધિત દસ્તાવેજોની ચકાસણી દરમિયાન નિયમોના પાલનમાં ખામીઓ જણાતા કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે.

જય અંબે ડિસ્ટ્રિબ્યુટર્સમાં 57 બોટલ પર પ્રતિબંધ

અમદાવાદની જય અંબે ડિસ્ટ્રિબ્યુટર્સમાં તપાસ દરમિયાન કોડીન ઘટક ધરાવતી R Tuss TD Syrup (Rexton-T Syrup)ની 57 બોટલ મળી આવી હતી. એક બોટલની MRP ₹158 પ્રમાણે આ જથ્થાની કિંમત ₹9,006 થાય છે. આ જથ્થાનો વધુ ઉપયોગ અથવા વેચાણ ન થાય તે માટે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પેઢીના રેકોર્ડની તપાસ દરમિયાન મુખ્યત્વે કોડીનયુક્ત દવાઓનો વેપાર થતો હોવાનું પણ સામે આવ્યું હતું.

કૃષ્ણા ફાર્મામાં પણ ક્ષતિઓ સામે આવી

કઠવાડાની કૃષ્ણા ફાર્મામાં હાથ ધરાયેલી તપાસ દરમિયાન પણ કેટલીક ક્ષતિઓ મળી આવી છે. આ મામલે પેઢીને કારણદર્શક નોટિસ પાઠવવાની પ્રક્રિયા ચાલી રહી છે. દરમિયાન, તપાસ હેઠળ આવેલી તમામ પેઢીઓના કોડીનયુક્ત દવાઓના ખરીદ-વેચાણના રેકોર્ડ, બિલો અને અન્ય સંબંધિત દસ્તાવેજોની વધુ ચકાસણી ચાલુ છે.

સરકારની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું છે કે કોડીનયુક્ત દવાઓના ગેરકાયદે સંગ્રહ, અનધિકૃત વેચાણ અને ગેરઉપયોગ સામે સરકાર ઝીરો ટોલરન્સની નીતિ સાથે કાર્યવાહી કરી રહી છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર પેઢીઓ સામે કાયદા અને નિયમો મુજબ કડક પગલાં લેવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ જનતાના આરોગ્યના હિતમાં કોડીનયુક્ત દવાઓનો ઉપયોગ માત્ર માન્ય તબીબી પ્રિસ્ક્રિપ્શન અને કાયદેસર માર્ગે થાય તે સુનિશ્ચિત કરવા રાજ્યભરમાં તપાસ અને દેખરેખની કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે.


આ પણ વાંચો:કેન્સરના દર્દીઓ માટે રાહત…અમેરિકામાં દવાને મળી મંજૂરી…એક મહિનાનો ડોઝ 38 લાખ રુપિયામાં પડશે!!

આ પણ વાંચો:દિલ્હીમાં કેન્સરની નકલી દવાઓનો કાળો કારોબાર પકડાયો; 1 લાખના ઇન્જેક્શનમાં નીકળ્યું પાણી

આ પણ વાંચો:નકલી દવાઓ અને ભેળસેળ સામે ગુજરાતમાં ઝીરો ટોલરન્સ, FDCAની મોટી કાર્યવાહી