Gondia Road Accident Bolero Truck Collision: મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લામાં સોમવારે મોડી રાત્રે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ગોંદિયા-બાલાઘાટ રાજ્ય ધોરીમાર્ગ પર નાગરા ગામ નજીક ટ્રક અને મજૂરોને લઈ જઈ રહેલી બોલેરો વચ્ચે સામસામે અથડામણ થઈ હતી. અકસ્માતમાં ત્રણ વર્ષના બાળક સહિત કુલ છ લોકોનાં મોત થયા છે, જ્યારે સાત લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. ટક્કર બાદ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
હૈદરાબાદમાં રોજગાર માટે જઈ રહ્યો હતો પરિવાર
પ્રાપ્ત માહિતી મુજબ મધ્ય પ્રદેશના બાલાઘાટ જિલ્લાના કિરનાપુર અને લાંજી તાલુકાના વિવિધ ગામોમાંથી કેટલાક મજૂરો પરિવાર સાથે કામની શોધમાં હૈદરાબાદ જવા નીકળ્યા હતા. તેઓ MP-15 T-3495 નંબરની બોલેરોમાં મુસાફરી કરી રહ્યા હતા. રાત્રે લગભગ 11:30 વાગ્યે બોલેરો નાગરા ગામ નજીક પહોંચી ત્યારે સામેની દિશામાંથી આવી રહેલા MH-35 AJ-2547 નંબરના ટ્રક સાથે તેની જોરદાર અથડામણ થઈ હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે ટ્રકની ઝડપ વધુ હતી અને ડ્રાઈવિંગમાં બેદરકારીના કારણે આ અકસ્માત(Accident) થયો હોવાની આશંકા છે.
બોલેરોનો કચ્ચરઘાણ, ગેસ કટરથી રેસ્ક્યૂ
ટક્કર એટલી જોરદાર હતી કે બોલેરોનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. કેટલાક લોકો વાહનમાં જ ફસાઈ ગયા હતા. અકસ્માતનો (Accident) અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો અને રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ગોંદિયા ગ્રામ્ય પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. વાહનમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ગેસ કટરનો ઉપયોગ કરવો પડ્યો હતો. ત્યારબાદ ઈજાગ્રસ્તો અને મૃતદેહોને જિલ્લા હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તબીબોએ છ લોકોને મૃત જાહેર કર્યા હતા.
ટ્રક ડ્રાઈવર સામે ગંભીર કલમો હેઠળ FIR
આ મામલે ઈજાગ્રસ્ત રાજેન્દ્ર શિવચરણ પંધારેના નિવેદનના આધારે ગોંદિયા ગ્રામ્ય પોલીસે ટ્રક ડ્રાઈવર મોહસિન ખાન વિરુદ્ધ FIR નોંધી છે. પોલીસના જણાવ્યા મુજબ BNSની કલમ 281, 106(1), 125(a), 125(b) તેમજ મોટર વ્હીકલ એક્ટની કલમ 184 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ ઈન્સ્પેક્ટર વૈભવ પવારના માર્ગદર્શન હેઠળ મહિલા સહાયક પોલીસ ઉપનિરીક્ષક વર્ષા નૈતામ કેસની વધુ તપાસ કરી રહ્યા છે. અકસ્માત(Accident) પાછળના કારણો અને સમગ્ર ઘટનાક્રમ અંગે પોલીસ તપાસ ચાલુ છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રના બસ અકસ્માતમાં 12ના મોત, 10ની સ્થિતિ નાજુક
આ પણ વાંચો: મહારાષ્ટ્રના અકોલામાં બે કાર વચ્ચે અકસ્માતમાં છના મોત
આ પણ વાંચો: મહારાષ્ટ્રના મુંબઈમાં બસ અકસ્માતમાં નવ લોકો ઘાયલ
