સુરેન્દ્રનગર/ લીંબડીના મોટાટીંબલા ગામે આવારા તત્ત્વોએ 50 વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું

લીંબડી તાલુકાના મોટાટીંબલા ગામના સ્મશાનમાં દલિત દંપતિએ બાળકોની જેમ ઉછેરીને મોટા કરેલા 50 વૃક્ષોને અવારા અને લુખ્ખા તત્ત્વોએ કાપી નાખતાં ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે

Gujarat

લીંબડી તાલુકાના મોટાટીંબલા ગામના સ્મશાનમાં દલિત દંપતિએ બાળકોની જેમ ઉછેરીને મોટા કરેલા 50 વૃક્ષોને અવારા અને લુખ્ખા તત્ત્વોએ કાપી નાખતાં ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ગ્રામજનોએ વૃક્ષોનું નિકંદન કાઢનાર અજાણ્યા આવારા તત્ત્વો સામે ફિટકાર વરસાવી રહ્યા છે.

લીંબડી તાલુકાના મોટાટીંબલા ગામના સ્મશાનમાં ફોરેસ્ટ વિભાગે 5 વર્ષ પહેલા 200 જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું હતું. મોટાટીંબલા ગામના કોંગ્રેસ અગ્રણી બાબુભાઈ સોલંકી અને તેમના પત્ની વાલીબેન સોલંકીએ 5 વર્ષથી વૃક્ષોનું જતન કરતા હતા. ખુલ્લા સ્મશાનમાં સ્વજન ગુમાવેલા લોકોને છાંયડો મળી રહે તે માટે દલિત દંપતિએ દિવસ-રાત જોયા વગર બાળકોની જેમ ઉછેરીને વૃક્ષોને મોટા કર્યાં હતા.

પરંતુ અજાણ્યા આવારા અને લુખ્ખા તત્ત્વોએ કોઈપણ કારણ વગર 50 જેટલા વૃક્ષોની ડાળીઓ કાપી નાંખી હતી. આ અંગેની જાણકારી મળતા જ વાલીબેન અને બાબુભાઈ સોલંકીએ ભારે અફસોસ વ્યક્ત કર્યો હતો. કોઈ કારણ વગર દ્વેષ ભાવથી 50 જેટલા વૃક્ષોનું નિકંદન કાઢનાર આવારા અને લુખ્ખા તત્ત્વો સામે મોટાટીંબલાના ગ્રામજનોએ ફિટકાર વરસાવી રહ્યા છે.

આ અંગે બાબુભાઈ સોલંકીએ ફોરેસ્ટ વિભાગને જાણ કરતા વન વિભાગના મહિલા કર્મચારી મોટાટીંબલા ગામે દોડી આવ્યા હતા. આગળની કાર્યવાહી હાથ ધરી હતી.