Bahucharaji Temple News: મહેસાણા જિલ્લાના બહુચરાજી માતાજીના મંદિરમાં છેલ્લા છ મહિનાથી સ્ટોર રૂમમાં રાખવામાં આવેલી દાનની રકમની ગણતરી (Bahucharaji Temple Donation) શરૂ કરવામાં આવી છે. 28 ઑક્ટોબરથી શરૂ થયેલી આ કામગીરીના બીજા દિવસે, 29 ઑક્ટોબરે ₹27,39,600ની રોકડની ગણતરી કરવામાં આવી હતી. સમગ્ર પ્રક્રિયા CCTV કેમેરાની દેખરેખ હેઠળ ચાલી રહી છે અને તે 6 નવેમ્બર સુધી ચાલુ રહેવાની છે.
Bahucharaji Temple Donation: છ મહિનાથી રાખેલી દાનની રકમની ગણતરી શરૂ
બહુચરાજી મંદિર (Bahucharaji Mataji)માં લાંબા સમયથી સ્ટોર રૂમમાં કોથળામાં ભરીને રાખવામાં આવેલી દાનની રકમની ગણતરી માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ કામગીરીમાં એક નાયબ કલેક્ટર, એક મામલતદાર, બે નાયબ મામલતદાર અને ત્રણ મહેસૂલી તલાટી સહિતના અધિકારીઓ દેખરેખ રાખી રહ્યા છે. આ ઉપરાંત મંદિરના 21 કર્મચારીઓ અને ત્રણ બેંક અધિકારીઓ પણ ગણતરીની કામગીરીમાં જોડાયા છે.
બે અલગ રૂમમાં કરવામાં આવે છે ગણતરી
દાનની રકમની ગણતરી વ્યવસ્થિત રીતે થાય તે માટે બે અલગ-અલગ રૂમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો (Temple Donation Counting) છે. એક રૂમમાં ચલણી નોટોને અલગ પાડવામાં આવે છે, જ્યારે બીજા રૂમમાં આધુનિક મશીનોની મદદથી નોટોની ગણતરી કરવામાં આવે છે.
કડીના પ્રાંત અધિકારી જાગૃતિબેન પટેલની હાજરીમાં આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
સમગ્ર પ્રક્રિયાનું વીડિયો રેકોર્ડિંગ કરાશે
મંદિરના વહીવટદાર એ.કે. ઠક્કરના જણાવ્યા અનુસાર, દાનની ગણતરીની સમગ્ર પ્રક્રિયાનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવી રહ્યું છે. ગણતરી પૂર્ણ થયા બાદ આ રેકોર્ડિંગ સુરક્ષિત રીતે સાચવી રાખવામાં આવશે.
પ્રથમ દિવસે અંદાજે ₹20 લાખની રોકડની ગણતરી કરવામાં આવી હતી. જ્યારે બીજા દિવસે ₹27,39,600 (27 lakh)ની રકમ ગણવામાં આવી હતી.
6 નવેમ્બર સુધી ચાલશે ગણતરી
દાનની રકમની ગણતરીની કામગીરી 6 નવેમ્બર સુધી ચાલુ રહેવાની છે. પારદર્શિતા જાળવવા માટે વહીવટી તંત્ર દ્વારા દરરોજ ગણતરી પૂર્ણ થયા બાદ તે દિવસની કુલ રકમ અને ચલણી નોટોની વિગતો જાહેર કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: રામ મંદિરની દાન ગણતરી પ્રણાલીમાં ફેરફાર, સુરક્ષા અને પારદર્શિતા માટે કડક નિયમો લાગુ
આ પણ વાંચો: 4 જૂનના રોજ મતગણતરીના પરિણામો થશે જાહેર, કેવી રીતે થાય છે મતોની ગણતરી, જાણો તમામ માહિતી
આ પણ વાંચો: ચૂંટણીના પરિણામની જાહેરાત પહેલા વિપક્ષે કરી માંગ, EVM પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવે
