Entertainment News/ રિલીઝના બે જ દિવસમાં દિલજીતની વિવાદિત ફિલ્મ ‘સતલુજ’ ઓટીટી પરથી કેમ હટાવાઈ? જાણો અંદરની વાત

પંજાબી સુપરસ્ટાર દિલજીત દોસાંઝની વિવાદિત ફિલ્મ ‘સતલુજ’ (Satluj) રિલીઝના માત્ર બે દિવસમાં ઓટીટી પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવી છે. સેન્સર બોર્ડના વિવાદ અને જસવંત સિંહ ખાલરાની આ વાર્તા પર કેમ હંગામો મચ્યો છે, વાંચો વિગતવાર.

Entertainment
SARLUJ

બોલિવૂડ અને પંજાબી સિનેમામાં પોતાની અદભુત અદાકારી તેમજ બેબાક અંદાજ માટે જાણીતા સુપરસ્ટાર દિલજીત દોસાંઝ (DiljitDosanjh) ફરી એકવાર રાષ્ટ્રીય સ્તરે વિવાદોના કેન્દ્રમાં આવ્યા છે. લાંબા સમયથી સેન્સર બોર્ડની વિવાદિત કાતરોમાં ફસાયેલી તેમની ફિલ્મ ‘સતલુજ’ (Satluj) આખરે ગત ૩ જુલાઈના રોજ કોઈ પણ મોટી જાહેરાત વિના સીધી ઓટીટી પ્લેટફોર્મ ‘Zee5’ પર ડિજિટલ રિલીઝ કરવામાં આવી હતી. જોકે, આ ખુશી બહુ લાંબી ન ટકી. પ્રેક્ષકો હજુ તો ફિલ્મ જોવાની શરૂઆત કરે તે પહેલાં જ, પ્રસારણના માત્ર 48 કલાકની અંદર આ ફિલ્મને પ્લેટફોર્મ પરથી અચાનક ગાયબ કરી દેવામાં આવતા સિનેમા જગતમાં ખળભળાટ મચી ગયો છે.

સેન્સર બોર્ડની લડાઇ બાદ હવે ઓટીટી પર કાનૂની ગૂંચવણ

આ ફિલ્મ લાંબા સમયથી સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) ની મંજૂરી ન મળવાને કારણે અટકેલી પડી હતી. સેન્સર બોર્ડે ફિલ્મની વાર્તા અને દ્રશ્યો સામે વાંધો ઉઠાવીને અનેક કાપ મૂકવાની શરત રાખી હતી, જેના લીધે થિયેટર રિલીઝ શક્ય બની નહોતી. આખરે મેકર્સે તેને સીધી ડિજિટલ પ્લેટફોર્મ પર ઉતારવાનો રસ્તો પસંદ કર્યો હતો. બીજી તરફ, ઝી 5 પ્લેટફોર્મે આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે તેઓ કાયદાકીય માર્ગ અપનાવી રહ્યા છે અને તમામ કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ આ વિવાદિત ફિલ્મને ફરીથી સ્ટ્રીમ કરવા માટેના પ્રયત્નો કરવામાં આવશે.

ફિલ્મ હટવા છતાં દિલજીત દોસાંઝનો બિન્દાસ અંદાજ:

ફિલ્મ પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવ્યા બાદ પણ દિલજીત દોસાંઝ સહેજ પણ ચિંતિત દેખાતા નથી. સોશિયલ મીડિયા પર તેમનો એક વીડિયો અને પોસ્ટ જોરદાર વાયરલ થઈ રહી છે, જેમાં તેઓ ભારે આત્મવિશ્વાસમાં જોવા મળી રહ્યા છે.

દિલજીત દોસાંઝની ચાહકોને અપીલ: “આ વર્તમાન સમયની એક અત્યંત શાનદાર સચ્ચાઈ દર્શાવતી ફિલ્મ છે. તેના પર સત્તાવાર પ્રતિબંધ લદાય તે પહેલાં, ડિજિટલ માધ્યમો પરથી શક્ય તેટલી વહેલી તકે આ ફિલ્મ અને ખાસ કરીને સવિન્દર પાલ વિક્કીનો અદ્ભુત અભિનય જોઈ લો.”

પોતાના વાયરલ વીડિયોમાં ગાયક-અભિનેતાએ હસતા હસતા જણાવ્યું કે, “હવે કોઈ ટેન્શન જેવી વાત નથી. જો પ્લેટફોર્મે મૂવી હટાવી દીધી છે, તો ભલે હટાવી. જનતા બહુ સ્માર્ટ છે, લોકોએ તેને ઓનલાઈન પહેલેથી જ ડાઉનલોડ કરી લીધી છે. શરૂઆતમાં હું થોડો અસમંજસમાં હતો, પણ હવે હું એકદમ રિલેક્સ મોડમાં બેઠો છું.”

શું છે ‘સતલુજ’ ફિલ્મની વાસ્તવિક વાર્તા?

આ ફિલ્મ કોઈ કાલ્પનિક કે મનોરંજક મસાલા વાર્તા નથી, પરંતુ પંજાબના જાણીતા માનવ અધિકાર કાર્યકર્તા જસવંત સિંહ ખાલરા ના સંઘર્ષમય જીવન પર આધારિત એક બાયોગ્રાફિકલ ક્રાઈમ ડ્રામા છે.વાર્તામાં 1980 અને 1990 ના દાયકા દરમિયાન પંજાબમાં બનેલી કેટલીક સંવેદનશીલ ઘટનાઓ અને કથિત નકલી એન્કાઉન્ટર્સ પાછળ છુપાયેલા કાળા સચ્ચાઈને પિક્ચરાઈઝ કરવામાં આવી છે. આ સંવેદનશીલ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અને સરકારી વ્યવસ્થા સામે ઉઠેલા સવાલોને કારણે જ આ ફિલ્મ સતત વિરોધ અને પ્રતિબંધોનો સામનો કરી રહી છે.


આ પણ વાંચો:શું દિલજીત દોસાંઝ ભારતીય નથી? રાજકારણમાં પ્રવેશ અંગેના અહેવાલોથી ચર્ચા તેજ

આ પણ વાંચો:કેનેડામાં દિલજીત દોસાંઝના કોન્સર્ટમાં હંગામો, ખાલિસ્તાની ઝંડા સાથે ઉપદ્રવીઓનો તાંડવ

આ પણ વાંચો:બોર્ડર 2 રીલીઝ અંગે વરુણ ધવને દિલજીત દોસાંઝની ભારે મહેનતની કરી સરાહના