Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના બે વિભાગો વચ્ચે સંકલનના અભાવનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વટવા વિસ્તારમાં આવેલા વાંદર વટ તળાવને દબાણમુક્ત કરવા માટે જાન્યુઆરી મહિનામાં હાથ ધરાયેલી ડેમોલિશન કામગીરીમાં સેંકડો રહેણાંક અને વેપારી એકમો તોડી પાડવામાં આવ્યા હતા. તેમ છતાં, તે જ મિલકતોના નામે પ્રોપર્ટી ટેક્સના બિલ (AMC Property Tax Bill) જનરેટ થતાં કોર્પોરેશનની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
જાન્યુઆરીમાં તોડી પડાયા હતા 500 જેટલા મકાનો
વટવા વિસ્તારમાં આવેલા વાંદર વટ તળાવની જમીન પરથી ગેરકાયદેસર દબાણ દૂર કરવા AMCના એસ્ટેટ વિભાગે વિશાળ ડેમોલિશન અભિયાન ચલાવ્યું હતું. આ કામગીરી દરમિયાન અંદાજે 500 જેટલા કાચા-પાકા રહેણાંક અને ધંધાકીય બાંધકામો દૂર કરીને તળાવની જમીન ખાલી કરાવવામાં આવી હતી.
AMC Property Tax Bill : અસ્તિત્વમાં ન હોય તેવી મિલકતોના બિલ
ડેમોલિશન બાદ પણ AMCના ટેક્સ વિભાગ દ્વારા તોડી પાડવામાં આવેલા મકાનો અને દુકાનોના નામે પ્રોપર્ટી ટેક્સના બિલ (AMC Property Tax Bill) જનરેટ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જે મિલકતો હવે અસ્તિત્વમાં જ નથી, તેમના માટે ટેક્સ બિલ જારી થતાં સ્થાનિકોમાં આશ્ચર્ય અને નારાજગી જોવા મળી રહી છે.
સ્ટેન્ડિંગ કમિટીમાં મુદ્દો ઉઠ્યો
આ સમગ્ર મામલો AMCની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પણ ચર્ચાનો વિષય બન્યો હતો. સભ્યોએ વિભાગો વચ્ચે સંકલનના અભાવ અંગે સવાલો ઉઠાવ્યા હતા. ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને ટેક્સ વિભાગ અને એસ્ટેટ વિભાગના અધિકારીઓને પરસ્પર સંકલન કરીને તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવવાની સૂચના આપી હતી. સાથે જ ભવિષ્યમાં આવી પ્રકારની વહીવટી ભૂલો ફરી ન બને તેની પણ ખાસ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.
કોંગ્રેસે તંત્ર પર સાધ્યા નિશાન
આ મુદ્દો જાહેર કરનાર કોંગ્રેસના નેતા રાજેશ ટી. સોનીએ AMCની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમના જણાવ્યા અનુસાર, જે પરિવારોના રહેણાંક જાન્યુઆરીમાં જ તોડી પાડવામાં આવ્યા હતા, તેમને હવે મિલકત વેરાના બિલ (AMC Property Tax Bill) મોકલવામાં આવી રહ્યા છે. તેમણે આ ઘટનાને માત્ર વહીવટી ભૂલ નહીં પરંતુ તંત્રની અસંવેદનશીલતા અને ગંભીર બેદરકારી ગણાવી છે.તેમણે તાત્કાલિક આવા તમામ ટેક્સ બિલ રદ કરવા, જવાબદાર અધિકારીઓની જવાબદારી નક્કી કરવા અને અસરગ્રસ્ત લોકોને યોગ્ય ન્યાય આપવા માંગ કરી છે.
આ પણ વાંચો:અમદાવાદમાં શંકાસ્પદ ચૂનાનો જથ્થો ઝડપાયો: કઠવાડા GIDCની યુનિટ પર AMCની કાર્યવાહી, 450 કિલો માલ જપ્ત
આ પણ વાંચો:અમદાવાદમાં AMC ડમ્પરની અડફેટે સગીરનું મોત: ટ્યુશન જતાં સર્જાયો ગમખ્વાર અકસ્માત
