Ahmedabad News: અમદાવાદમાં સતત વધી રહેલા ટ્રાફિક (Hatkeshwar Traffic)ના દબાણને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને ટ્રાફિક પોલીસ દ્વારા હાટકેશ્વર ચાર રસ્તા પર નવી ટ્રાફિક વ્યવસ્થા અમલમાં મૂકવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. ટ્રાફિકનો પ્રવાહ સરળ અને અકસ્માતમુક્ત રહે તે હેતુથી ચાર રસ્તાને કાયમી રીતે બંધ કરીને બંને તરફ અંદાજે 100 મીટર દૂર U-ટર્નની સુવિધા આપવામાં આવશે.
Hatkeshwar Traffic:ટેમ્પરરી બેરીકેડ બાદ હવે કાયમી ડિવાઈડર
તાજેતરમાં AMCના ટ્રાફિક વિભાગના અધિકારીઓ અને ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓએ હાટકેશ્વર ચાર રસ્તાનું સંયુક્ત સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન ટ્રાફિક (Hatkeshwar Traffic)ની હાલની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું અને ‘કેપ્સ્યુલ ડિઝાઇન’ હેઠળ ટ્રાફિકનું સંચાલન વધુ અસરકારક રીતે કેવી રીતે થઈ શકે તે અંગે ચર્ચા કરવામાં આવી.
હાલ ચાર રસ્તા પર ટેમ્પરરી બેરીકેડિંગ કરવામાં આવ્યું છે, પરંતુ આગામી સમયમાં તેને કાયમી સ્વરૂપ આપવામાં આવશે. આ માટે મધ્યમાં ડિવાઈડર બનાવવામાં આવશે અને બંને દિશામાં લગભગ 100 મીટર દૂર U-ટર્નની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. અધિકારીઓએ એવી ડિઝાઇન તૈયાર કરવા સૂચના આપી છે કે U-ટર્ન લેતા વાહનો અને સીધા પસાર થતા વાહનો વચ્ચે કોઈ અવરોધ કે અકસ્માતની સ્થિતિ ન સર્જાય.
નવી વ્યવસ્થા મુજબ 132 ફૂટ રીંગ રોડ તરફથી આવનારા વાહનોને સીધા ક્રોસિંગ પરથી પસાર થવાને બદલે U-ટર્નનો ઉપયોગ કરવો પડશે, જ્યારે અન્ય દિશાઓમાંથી આવતા વાહનો માટે પણ ટ્રાફિક (Hatkeshwar Traffic) ફ્લો અનુસાર રૂટ નક્કી કરવામાં આવશે. શહેરના અન્ય વ્યસ્ત જંક્શનો પર અમલમાં રહેલી ‘કેપ્સ્યુલ ડિઝાઇન’ના આધારે આ મોડેલ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
પીક અવર્સ દરમિયાન ટ્રાફિક (Hatkeshwar Traffic)નું નિયમન સુનિશ્ચિત કરવા માટે ટ્રાફિક પોલીસના જવાનો સ્થળ પર તૈનાત રહેશે. ઉપરાંત, રોડ પર ગેરકાયદે પાર્કિંગ, રિક્ષાઓનું અયોગ્ય ઊભું રહેવું અને લારીઓના દબાણ જેવી સમસ્યાઓ દૂર કરવા માટે પણ કાર્યવાહી કરવામાં આવશે. અધિકારીઓનું માનવું છે કે ટ્રાફિક શિસ્ત અને નવી વ્યવસ્થાનો અસરકારક અમલ થશે તો હાટકેશ્વર વિસ્તારની લાંબા સમયથી ચાલતી ટ્રાફિક સમસ્યામાં નોંધપાત્ર રાહત મળશે.
આ પણ વાંચો:LPG ગેસનો જથ્થો નહીં મળે તો અમદાવાદામાં હાટકેશ્વર બ્રિજની કામગીરી પડશે ખોરંભે
આ પણ વાંચો:અમદાવાદ હાટકેશ્વર બ્રિજ તોડતી વખતે સર્જાઈ દુર્ઘટના, રેતી-કોંક્રિટના કોથળા પડતા મહિલા દબાઈ
આ પણ વાંચો:હાટકેશ્વરમાં જ્વેલર્સની દીવાલ તોડી ચોરી કરનાર ‘હાઈટેક’ ચોર ઝડપાયો
