Ahmedabad Jewelers Theft Case: અમદાવાદ શહેરના હાટકેશ્વર વિસ્તારમાં આવેલી એક જ્વેલર્સની દુકાનમાં થયેલી લાખોની ચોરી (Theft)નો ભેદ ઉકેલવામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસને ચકમો આપવા માટે આ ભેજાબાજ ચોરે એવી ટેકનિક અજમાવી હતી કે પોલીસ પણ એક સમયે વિચારતી થઈ ગઈ હતી, પરંતુ આખરે 19 વર્ષનો આ ચતુર ચોર પોલીસના સકંજામાં આવી ગયો છે.

લોક તોડવાને બદલે દીવાલમાં પાડ્યું બાકોરું
હાટકેશ્વરના આ જ્વેલર્સની દુકાનમાં તસ્કરે ચોરી કરવા માટે કોઈ સામાન્ય રસ્તો અપનાવ્યો નહોતો. દુકાનના મજબૂત શટર અને હાઈટેક લોકને અડકવાને બદલે, ચોરે દુકાનની દીવાલમાં બાકોરું પાડ્યું હતું. આ નવી ટેકનિક જોઈને પોલીસને શંકા ગઈ હતી કે ચોર બાંધકામની પદ્ધતિથી ખૂબ સારી રીતે વાકેફ હોવો જોઈએ.
કડિયાકામની આવડતનો ચોરી (Theft) માં ઉપયોગ
ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલો 19 વર્ષનો આરોપી અશ્વિન ખાડિયા વ્યવસાયે કડિયાકામ કરે છે. તેણે પોતાની આ આવડતનો ઉપયોગ દીવાલ તોડવામાં કર્યો હતો. તેને એમ હતું કે તે દીવાલ તોડીને ચોરી કરશે તો પોલીસ ક્યારેય તેને પકડી શકશે નહીં, પરંતુ તેની આ ચાલાકી લાંબો સમય ટકી શકી નહીં.
CCTV અને આગવી કોઠાસૂઝથી પર્દાફાશ
ક્રાઈમ બ્રાન્ચની ટીમે વિસ્તારના સંખ્યાબંધ CCTV ફૂટેજ તપાસ્યા હતા. પોલીસની આગવી કોઠાસૂઝ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી અશ્વિન ખાડિયાને દબોચી લેવામાં આવ્યો હતો. આ ચોરે જ્વેલર્સમાંથી 1 લાખ 75 હજાર રૂપિયાના દાગીનાની ચોરી કરી હતી.

100 ટકા મુદ્દામાલ રિકવર
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ માટે સૌથી મોટી સફળતા એ રહી કે તેમણે આરોપીની ધરપકડ કરવાની સાથે ચોરી થયેલા 100 ટકા દાગીના રિકવર કરી લીધા છે. 19 વર્ષના આ યુવાને ગુનાખોરીના રસ્તે ચડીને પોલીસને પડકાર ફેંક્યો હતો, જેનો અંત જેલના સળિયા પાછળ થયો છે.
