Ahmedabad Hatkeshwar Bridge Demolition Accident: અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજને ડિમોલિશન કરવાની કામગીરી અત્યારે જોરશોરથી ચાલી રહી છે. જોકે, આજે 10 માર્ચના રોજ સાંજના સમયે બ્રિજ તોડવા માટે સુરક્ષા પેટે રાખવામાં આવેલા રેતી અને કોંક્રિટના કોથળા એકાએક નીચે પડતા અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં નીચે લારી લઈને ઉભેલી એક મહિલા કોથળા નીચે દબાઈ જતાં તેને ઈજા પહોંચી છે.
Hatkeshwar Bridge : શું હતી સમગ્ર ઘટના?
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાટકેશ્વર બ્રિજ તોડવા માટે કોન્ટ્રાક્ટરને કામ સોંપવામાં આવ્યું છે. બ્રિજના મુખ્ય સ્પાનને તોડતી વખતે કાટમાળ સીધો નીચે ન પડે તે માટે નીચેના ભાગે રેતી અને કોંક્રિટના મોટા કોથળા (સેન્ડ બેગ્સ) સ્ટેક કરવામાં આવ્યા હતા. સાંજે આ કોથળા અચાનક અસંતુલિત થઈને નીચે પડ્યા હતા. બ્રિજ નીચે ફ્રૂટની લારી લઈને ઉભેલી એક મહિલા આ કોથળા નીચે આવી ગઈ હતી. સદનસીબે સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવતા મહિલાને હેમખેમ બહાર કાઢવામાં આવી હતી, જોકે તેની લારી અને માલસામાનને નુકસાન થયું છે.

રસ્તો ચાલુ રાખીને કેમ તોડાય છે બ્રિજ?
હાટકેશ્વર સર્કલ અત્યંત વ્યસ્ત વિસ્તાર હોવા છતાં, બ્રિજ તોડવાની કામગીરી વખતે રસ્તો સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો નથી. સ્થાનિકોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા સલામતી માટેના કોઈ બોર્ડ લગાવવામાં આવ્યા નથી અને ટ્રાફિક વચ્ચે જ આ જોખમી કામગીરી કરવામાં આવી રહી છે.

‘ફેરિયાઓ જબરદસ્તીથી અંદર ઘૂસી જાય છે’
દુર્ઘટના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના બ્રિજ પ્રોજેક્ટ વિભાગે પોતાનો પક્ષ રજૂ કરતા અધિકારીઓએ જણાવ્યું છે કે, સાઈટ પર કોન્ટ્રાક્ટર દ્વારા પ્રોપર બેરિકેટિંગ કરવામાં આવ્યું છે અને સુરક્ષા ગાર્ડ પણ મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત રાત્રિના સમયે કામગીરી કરવા માટે પોલીસ અને ટ્રાફિક વિભાગને પણ અગાઉથી જાણ કરવામાં આવી છે. સામા પક્ષે AMCએ એવો આક્ષેપ કર્યો છે કે બેરિકેટિંગ હોવા છતાં કેટલાક ફેરિયાઓ પ્રતિબંધિત વિસ્તારમાં જબરદસ્તીથી ઘૂસી જાય છે. પ્રાથમિક માહિતી મુજબ, એક મહિલા કોથળાના ઢગલા પર ચડી ગઈ હોવાથી તે કોથળા અસંતુલિત થઈને પડ્યા હતા અને આ ઘટના બની હતી.
હાલમાં ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખસેડવામાં આવી છે. આ ઘટનાને પગલે કોન્ટ્રાક્ટરના માણસો અને સ્થાનિકો વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી.
આ પણ વાંચોઃ AMCની મોટી જાહેરાત: એડવાન્સ ટેક્સ પર 15% સુધી રાહત, 9 એપ્રિલથી સ્કીમ શરૂ
આ પણ વાંચો: અમદાવાદમાં AMCનો ફૂડ સેફ્ટી ડ્રાઇવ: 495 સેમ્પલમાંથી 10 પનીર સબ-સ્ટાન્ડર્ડ
આ પણ વાંચો: AMCનું વર્ષ 2026-27 માટેનું ડ્રાફ્ટ બજેટ રજૂ
