Bavla Hospital Medical Waste Case: અમદાવાદ ગ્રામ્યના બાવળા શહેરમાં જાહેર રસ્તાઓ પર મેડિકલ વેસ્ટ ફેંકતી હોસ્પિટલો સામે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) એ કડક કાર્યવાહી હાથ ધરી છે. લાંબા સમયથી ચાલી રહેલી આ ગંભીર બેદરકારી મામલે મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ અને એક જાગૃત નાગરિકની ફરિયાદને પગલે GPCB ની ટીમે સ્થળ તપાસ કરી તવાઈ બોલાવી છે.
Bavla : બે હોસ્પિટલોના નામ ખુલ્યા
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, શિવસાગર હોસ્પિટલ અને સંજીવની હાર્ટ કેર હોસ્પિટલ દ્વારા મેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ કરવાને બદલે તેને જાહેરમાં ફેંકી દેવામાં આવતો હતો. વપરાયેલી સોય, સિરીંજ અને અન્ય જોખમી કચરો રસ્તા પર હોવાથી રાહદારીઓ અને સ્થાનિકોના સ્વાસ્થ્ય સામે મોટું જોખમ ઊભું થયું હતું.

તંત્રની કડક કાર્યવાહી
અમદાવાદ ગ્રામ્યમાં GPCB દ્વારા બાયોમેડિકલ વેસ્ટના નિકાલમાં ગંભીર બેદરકારી દાખવનાર હોસ્પિટલો સામે લાલ આંખ કરવામાં આવી છે. આ કડક કાર્યવાહીના ભાગરૂપે શિવસાગર હોસ્પિટલને તાત્કાલિક અસરથી ‘ક્લોઝર નોટિસ’ ફટકારી દેવામાં આવી છે, સાથે જ સંસ્થા પર ₹50,000ની બેંક ગેરેંટી અને પર્યાવરણીય નુકસાન વળતર (EDC) પણ લાદવામાં આવ્યું છે. આ ઉપરાંત, સંજીવની હાર્ટ કેર હોસ્પિટલ સામે પણ નિયમોના ઉલ્લંઘન બદલ મોટો દંડ ફટકારીને કાયદેસરની કાર્યવાહી તેજ કરવામાં આવી છે.

નાગરિકોની જાગૃતિ રંગ લાવી
બાવળાના જાગૃત નાગરિકો અને મીડિયા દ્વારા આ મામલે વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. અંતે GPCB ની ટીમે સ્થળ પર પહોંચી પંચનામું કર્યું અને પુરાવાઓને આધારે હોસ્પિટલ સંચાલકો સામે લાલ આંખ કરી છે. આ કાર્યવાહીથી અન્ય હોસ્પિટલોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
આ પણ વાંચો: અમરેલી : વધુ એકવાર જાહેરમાં ફેકાયો બાયો મેડિકલ વેસ્ટ
આ પણ વાંચો: ડોર ટુ ડોર કચરાની ગાડીમાં મેડિકલ વેસ્ટ નંખાતા હોબાળો
આ પણ વાંચો: ભાવનગરમાં મેડિકલ વેસ્ટ નિકાલના નિયમોના ધજાગરા ઉડ્યાં, તંત્રની બેદરકારીની પોલ ખુલી
