Surat News: સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં ધોળા દિવસે એક યુવકના અપહરણની ઘટના સામે આવી છે. જુની અદાવતમાં આકાશ રાજપૂત અને તેના સાથીઓએ મળીને એક કુરિયર બોયનું તેની ઓફિસ પાસેથી અપહરણ કરી તેને ચપ્પુ બતાવી યુવકને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ સમગ્ર ઘટનાના CCTV ફુટેજ સામે આવ્યા હતા. જેમાં આરોપીઓ યુવકને માર મારતાં અને કારમાં બેસાડતાં નજરે પડે છે.
કુરિયર બોયનું તેની ઓફિસ પાસેથી જ અપહરણ
યુવક ડિંડોલી વિસ્તારમાં રહેતા હોવાનું સામે આવ્યું છે. ફરિયાદી યુવક કુરિયર બોય તરીકે નોકરી કરે છે, તેને પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર ઘટના 16 જાન્યુઆરીએ બપોરે પર્વત પાટિયા ચાર રસ્તા પાસે, ડી.જી.પોઈન્ટ એપાર્ટમેન્ટની સામે બની હતી. યુવક જ્યારે કુરિયરની ડિલિવરી આપીને નીચે ઊતર્યો ત્યારે 6 જેટલા લોકોએ હુમલો કર્યો.
યુવકને માર મારીને ગાડીમાં અપહરણ કર્યું
આરોપીઓએ યુવકને ગાળો આપી ઢોર માર માર્યો હતો. સાથે જ બળજબરીથી કારમાં બેસાડી અપહરણ કર્યું હતું. ગાડીમાં બે ઇસમોએ યુવકની કમર પર ચપ્પુ રાખી તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અપહરણકારો યુવકને વિવિધ વિસ્તારોમાં ફેરવીને તેને ફરી કેસર ભવાની સોસાયટી પાસે ઉતારીને ફરાર થઈ ગયા હતા.
રેસ્ટોરન્ટમાં બેસવા જેવી સામાન્ય બાબતે બબાલ
પોલીસ ફરિયાદ મુજબ, આ ઘટના પાછળ 14 જાન્યુઆરીના રોજ થયેલી એક સામાન્ય બાબદ જવાબદાર છે.પૂર્વાંચલ રેસ્ટોરન્ટમાં બેસવા જેવી સામાન્ય બાબતે યુવક અને આરોપીના પિતરાઈ ભાઈ વચ્ચે બોલાચાલી થઈ હતી, જેમાં યુવકે આરોપીના ભાઈને માર માર્યો હતો. આ ઘટનાની અદાવત રાખીને આરોપીએ તેના મિત્રો સાથે મળીને યુવકને ઢોર માર મારી અપહરણ કર્યું હતું.
આ પણ વાંચો: સુરતના સચિન GIDC વિસ્તારમાં મારામારી, વીડિયો વાયરલ
આ પણ વાંચો:સુરત ભાજપ કાર્યાલયમાં ખજાનચી-કાર્યકર વચ્ચે મારામારી, વીડિયો વાયરલ
આ પણ વાંચો:સુરત શહેરમાં વધુ એક હત્યાની ઘટના, સામાન્ય બાબાતે મારામારી થઈ હતી
