ગાંધીનગર,
રાજ્યમાં પરપ્રાંતીયો પર હુમલાઓ અંગે સીએમ દ્વારા કોંગ્રેસના સીનીયર નેતા અને બિહારના પ્રભારી શક્તિસિહ ગોહિલ જવાબદાર છે. તેવા નિવેદનો કરવામાં આવ્યા હતા. જે અંગે શક્તિસિંહ ગોહિલ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને ઈમેલ દ્વારા બદનક્ષીના ક્રિમીનલ કેસ અને દીવાની વળતરના કેસ સંદર્ભે નોટીસ મોકલવામાં આવી છે. જેના કારણે ગુજરાતના રાજકારણમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.
ગુજરાતના સાબરકાંઠા જીલ્લાના ઢુંઢર ગામે 14 મહિનાની બાળકી સાથે દુષ્કર્મ કરવાની ઘટના બની હતી જેના કારણે ભોગ બનેલી બાળકીના સમાજના લોકોનો પરપ્રાંતીયો સામે રોષ ભભૂકી ઉઠ્યો હતો. જેના કારણે રાજ્યમાં આ સમાજના લોકો દ્વારા પરપ્રાંતીય લોકોને રાજ્યમાંથી બહાર કાઢવાની ઝુબેશ શરુ થઇ હતી.
આ ઘટનાના મામલે સત્તાધારી પક્ષ દ્વારા આ ઝુબેશને કોંગ્રેસ પ્રેરિત ગણાવવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા પણ આ ઝુંબેશ પાછળ ગુજરાત કોંગ્રેસના અગ્રણી અને બિહારના પ્રભારીનો દોરી સંચાર હોવા અંગે નિવેદન કરવામાં આવ્યું હતું.
આ નિવેદનના મામલે ગુજરાત કોંગ્રેસના સીનીયર નેતા, રાષ્ટ્રીય પ્રવક્તા અને બિહાર કોંગ્રેસના પ્રભારી શક્તિસિંહ ગોહિલ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને ઈમેલ દ્વારા બદનક્ષીનો કેસ તેમજ દીવાની રાહે વળતર મેળવવા અંગેના કેસ સંદર્ભેની કાયદેસરની નોટીસ પાઠવવામાં આવી છે. જેના કારણે ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.





