Rajkot Collector Office Bomb Threat: ગુજરાતમાં ફરી એકવાર બોમ્બની ધમકીઓના સિલસિલાએ લોકોમાં ભય અને તંત્રમાં દોડધામ મચાવી દીધી છે. આજે બપોરના સમયે જૂનાગઢની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ અને રાજકોટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઇ-મેલ મળતા જ પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
જૂનાગઢ કોર્ટમાં “2:10 વાગ્યે 3 બોમ્બ ફૂટશે”
જૂનાગઢ કોર્ટના સત્તાવાર ઈ-મેલ આઈડી પર એક સંદેશો મળ્યો કે, “2:10 વાગ્યે ત્રણ બોમ્બ કોર્ટમાં ફૂટશે.” આ મેલ મળતાની સાથે જ કોર્ટના અધિકારીઓએ તાત્કાલિક પોલીસ વિભાગને જાણ કરી હતી. DYSP હિતેશ ધાંધલીયાના જણાવ્યા અનુસાર, મેલની ગંભીરતાને જોતા કોર્ટ પરિસરમાંથી તમામ વકીલો, અસીલો અને સ્ટાફને બહાર ખસેડી દેવામાં આવ્યા છે.

બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને ડોગ સ્ક્વોડ દ્વારા કોર્ટના દરેક રૂમ, લોબી, પાર્કિંગ એરિયા અને આસપાસના વિસ્તારોમાં ઝીણવટભર્યું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ફાયર ફાઈટરોની ટીમ પણ કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે તહેનાત છે.
રાજકોટ કલેક્ટર કચેરીને પણ ઇ-મેલથી ધમકી
બીજી તરફ, રાજકોટ કલેક્ટર કચેરીને પણ સમાન પ્રકારનો ઇ-મેલ કરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. મેલ મળતા જ કચેરી પરિસર ખાલી કરાવીને બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જોકે, તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. ઉલ્લેખનીય છે કે, ગત 11 એપ્રિલ, 2025 ના રોજ પણ રાજકોટ કલેક્ટર કચેરીને આવી જ ધમકી મળી હતી.

સાયબર ક્રાઈમની ટીમ તપાસમાં વ્યસ્ત
પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. જૂનાગઢ સાયબર ક્રાઈમની ટીમ ધમકીભર્યા ઇ-મેલનું IP એડ્રેસ ટ્રેસ કરવા અને તે ક્યાંથી મોકલવામાં આવ્યો છે તે જાણવા માટે સક્રિય થઈ ગઈ છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ કોઈની તોફાની હરકત અથવા ન્યાયિક અને વહીવટી પ્રક્રિયામાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ હોવાની આશંકા છે.

ગુજરાતમાં અગાઉ પણ આવા કિસ્સાઓ બન્યા છે
ગુજરાતમાં તાજેતરના સમયમાં ફેક ધમકીભર્યા મેઈલ મળવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. ૩૦ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ કુવૈતથી દિલ્હી જતી ઈન્ડિગો ફ્લાઈટમાં બોમ્બની ધમકી મળતા અમદાવાદ એરપોર્ટ પર તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. આ અગાઉ ૨૮ જાન્યુઆરીએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટને ઇ-મેલ મારફતે આત્મઘાતી હુમલાની ધમકી મળી હતી, જ્યારે ૨૩ જાન્યુઆરીએ શહેરની આર્મી સ્કૂલ સહિત ૧૫ જેટલી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેઈલ મળતા તંત્ર દોડતું થયું હતું.
આ વારંવાર બનતી ઘટનાઓ તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે. પોલીસ આ મામલે ગંભીરતાથી તપાસ કરી રહી છે અને આવા કૃત્ય કરનારાઓને ઝડપી પાડવા માટે પ્રયાસો કરી રહી છે.
