Rajkot News/ રાજકોટમાં AIIMS-એરપોર્ટ-અટલ સરોવર નજીક નવા ST બસ સ્ટેશન બનશે

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક બનનારા ST બસ સ્ટેશન (ST Bus Station) નું ટેન્ડર ટૂંક સમયમાં બહાર પડશે

Gujarat Rajkot
ST Bus Station

Rajkot News : રાજકોટને ગુજરાતની એકમાત્ર AIIMS હોસ્પિટલ, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને સ્માર્ટ સિટી અટલ સરોવર મળ્યા બાદ હવે શહેરના મુસાફરો માટે વધુ સુવિધાજનક પરિવહન વ્યવસ્થા તૈયાર થવા જઈ રહી છે. ST વિભાગ દ્વારા શહેરમાં ત્રણ નવા આધુનિક ST બસ સ્ટેશન (ST Bus Station) બનાવવા માટે પ્રપોઝલ મૂકવામાં આવ્યો છે.

એરપોર્ટ અને AIIMS પાસે જગ્યા ફાઈનલ

રાજકોટ ST વિભાગના ડિવિઝનલ એન્જિનિયર અક્ષય મહેતાએ જણાવ્યું કે, રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક બનનારા ST બસ સ્ટેશન (ST Bus Station) નું ટેન્ડર ટૂંક સમયમાં બહાર પડશે.

AIIMS હોસ્પિટલ પાસે પણ બસ સ્ટેશન માટે જગ્યા નક્કી થઈ ગઈ છે. બંને બસ સ્ટેશન 5000 ચોરસ મીટરમાં નિર્માણ પામશે અને અંદાજે રૂ.5 કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓ સાથે તૈયાર થશે.

એપ્રિલ બાદ પ્રક્રિયા પૂર્ણ કરીને ખાતમુહૂર્ત કરવામાં આવશે.

અટલ સરોવર પાસે પણ નવું બસ સ્ટેશન

સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત અટલ સરોવર આસપાસ વિસ્તાર વિકસિત થઈ રહ્યો છે. ત્યાં પણ ST વિભાગ દ્વારા નવું ST બસ સ્ટેશન (ST Bus Station)બનાવવા માટે જગ્યા માગવામાં આવી છે. જગ્યા મળતાં જ કામ શરૂ કરાશે.

શાપર-વેરાવળ અને મેટોડા GIDC સુધી સ્પેશિયલ બસ સેવા

વાઇબ્રન્ટ સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટ-મોરબી-જામનગરના ત્રિકોણને “મિની જાપાન” ગણાવ્યું હતું. આ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં કામદારોને સરળ પરિવહન મળી રહે તે માટે ST વિભાગ દ્વારા શાપર-વેરાવળ અને મેટોડા GIDC સુધી સ્પેશિયલ બસ સેવા શરૂ કરવાની યોજના બનાવાઈ છે.

ધાર્મિક સ્થળો માટે બસોની સંખ્યા વધશે

પૂર્વ વિભાગીય નિયામક હિમાંશુ જોશીએ વધુમાં જણાવ્યું કે, કેવડીયા (સ્ટેચ્યુ ઓફ યુનિટી), સોમનાથ અને દ્વારકા જેવા ધાર્મિક સ્થળો માટે સીધી બસોની ફ્રિકવન્સી વધારવામાં આવશે.

રાજકોટ ST વિભાગનું હાલનું સંચાલન

હાલ રાજકોટ ST વિભાગ દ્વારા કુલ 525 બસોનું સંચાલન થાય છે. વિભાગીય નિયામક તરીકે હવે મનીષ રાજે ચાર્જ સંભાળી લીધો છે, જ્યારે હિમાંશુ જોશીને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ST સેવા વિકસાવવા માટે જવાબદારી સોંપવામાં આવી છે.


આ પણ વાંચો : આધાર OTP વિના ટ્રેન ટિકિટ નહીં! IRCTCના નવા નિયમોથી જનરલ મુસાફરોને આધાર કાર્ડ લિંક જરૂરી

આ પણ વાંચો : ક્યારે તૈયાર થશે 16 માળનું ભવ્ય અમદાવાદ રેલ્વે સ્ટેશન?

આ પણ વાંચો : છેલ્લા 14 મહિનામાં 2987 નવીન બસો પ્રજાની સેવામાં કાર્યરત કરાઈ; આગામી વર્ષે નવી 2050 બસો થશે કાર્યરત