Mobile Ranshala Kutch: સફેદ રણ અને મીઠાના અગરો વચ્ચે જ્યાં જીવન જીવવું કપરું છે, ત્યાં આજે શિક્ષણની ગંગા વહી રહી છે. કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયા પરિવારો જ્યારે રણમાં સ્થળાંતર કરે છે, ત્યારે તેમના બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે રાજ્ય સરકારના સહયોગથી “મોબાઈલ રણશાળા” એક ક્રાંતિકારી ભૂમિકા ભજવી રહી છે.
Kutch: શું છે આ ‘મોબાઈલ રણશાળા’?
અગરિયા પરિવારોને મીઠું પકવવાના સમયગાળા દરમિયાન લાંબો સમય રણમાં જ વસવાટ કરવો પડે છે, જેના કારણે તેમના બાળકો શાળાએ જઈ શકતા નથી. આ સમસ્યાના ઉકેલ રૂપે એક ખાસ મોબાઈલ રણશાળા તૈયાર કરવામાં આવી છે. આ આધુનિક રણશાળામાં બાળકોને માત્ર પરંપરાગત રીતે જ નહીં, પણ LED જેવા આધુનિક સાધનોની મદદથી ડિજિટલ શિક્ષણ પણ આપવામાં આવે છે. રણમાં વીજળીની સુવિધા ન હોવાથી અહીં ઇકો-ફ્રેન્ડલી અભિગમ અપનાવીને સોલાર સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે, જેના દ્વારા LED, પંખા અને લાઈટ ચલાવવામાં આવે છે.

શિક્ષણની સાથે સ્વાસ્થ્યનું પણ જતન
આ રણશાળાઓમાં માત્ર ‘ઇન્ટરેક્ટિવ લર્નિંગ’ પર જ ભાર નથી મૂકવામાં આવતો, પરંતુ બાળકોના સ્વાસ્થ્ય અને પોષણનું પણ પૂરું ધ્યાન રાખવામાં આવે છે. અહીં અભ્યાસ કરતા બાળકોને દરરોજ ગરમાગરમ પૌષ્ટિક આહાર આપવામાં આવે છે અને તેમને વિશેષ પોષણ તેમજ શક્તિ મળી રહે તે હેતુથી ચીકી અને ફ્લેવર્ડ દૂધ પણ પીવડાવવામાં આવે છે.
બાળકોમાં જાગી ભણતરની ભૂખ
અગાઉ સ્થળાંતરને કારણે જયેશ અને રિંકુ જેવા અનેક બાળકો અધવચ્ચે જ અભ્યાસ છોડી દેતા હતા. પરંતુ આ મોબાઈલ રણશાળાને કારણે આજે આ બાળકો રણની વચ્ચે પણ ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે ભણી રહ્યા છે. આ શાળા ખરા અર્થમાં રાજ્ય સરકારના ‘સૌને શિક્ષણ‘ અને ‘કન્યા કેળવણી’ના અભિગમને ચરિતાર્થ કરી રહી છે.
