મુંબઈ શહેરમાં કોરોનાનાં કેસમાં ઉછાળો આવ્યા બાદ શહેરનાં કેટલાક ઉપનગરોમાં કલમ 144 લાદવામાં આવી હોવાના સમાચાર બહાર આવતાની સાથે જ BCCI નાં અધિકારીઓએ પણ આગામી સ્થાનિક ટૂર્નામેન્ટ પર નિર્ણય લેવા માટે એક મીટિંગ કરી.
આ પણ વાંચો – IND vs SA / દક્ષિણ આફ્રિકાને પહેલી ટેસ્ટમાં હાર આપ્યા બાદ પણ ટીમ ઈન્ડિયા WTC પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાને યથાવત
ભારતમાં કોરોના વાયરસનાં નવા કેસોમાં જબરદસ્ત ઉછાળો ફરી એકવાર રમત-ગમતને અસર કરવા લાગ્યો છે. કોરોનાનાં ઝડપથી વિકસતા નવા વેરિઅન્ટ ઓમિક્રોનએ પણ ક્રિકેટ પર હુમલો કર્યો છે. કોરોનાનાં નવા ખતરાને જોતા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ વિજય મર્ચન્ટ અંડર-16 ટૂર્નામેન્ટ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. આ ટૂર્નામેન્ટ 9 જાન્યુઆરીથી દેહરાદૂનમાં રમાવવાની હતી. તમામ ટીમોને ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા દહેરાદૂન પહોંચી જવા માટે કહેવામાં આવ્યું હતું. એક અહેવાલ મુજબ, BCCI નાં સચિવ જય શાહે ગુરુવારે બોર્ડ સાથે જોડાયેલા તમામ એસોસિએશનોને એક ઈમેલ મોકલીને જણાવ્યું હતું કે ડોમેસ્ટિક ક્રિકેટની શરૂઆત સારી રહી હતી અને અત્યાર સુધીમાં 748 મેચ પૂર્ણ થઈ છે. જો કે, કોરોના વાયરસનાં નવા કેસોમાં અચાનક ઉછાળાને કારણે જુનિયર ટૂર્નામેન્ટ્સ સ્થગિત કરવાની ફરજ પડી છે. તેમણે કહ્યું કે, મોટો નિર્ણય લેતા વિજય મર્ચન્ટ ટ્રોફી 2022 રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો – Cricket / સ્મૃતિ મંધાનાની લાગી શકે છે લોટરી, ICC મહિલા T20 ઈન્ટરનેશનલ પ્લેયર ઓફ ધ યર માટે નોમિનેટ
સચિવે કહ્યું, ‘અમે સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ. જો રક્ષણાત્મક પગલા નહીં લેવામાં આવે તો ભવિષ્યમાં કેસ વધી શકે છે. તેથી, નિષ્ણાતો અને તબીબી ટીમ સાથે સંપૂર્ણ ચર્ચા કર્યા પછી અંડર-16 વિજય મર્ચન્ટ ટ્રોફી 2022 સ્થગિત કરવામાં આવી છે. જેનુ મુખ્ય કારણ એ છે કે સ્પર્ધક ખેલાડીઓને રસી આપવામાં આવી નથી અને તેઓને સંક્રમણ લાગવાનું વધુ જોખમ હોઈ શકે છે. અમે અમારા પ્રતિભાશાળી અને યુવા ક્રિકેટરોનાં સ્વાસ્થ્યને જોખમમાં ન નાખી શકીએ. જેના કારણે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે.
