પાકિસ્તાનનાં મુખ્ય કોચ મિસ્બાહ-ઉલ-હક અને બોલિંગ કોચ વકાર યુનુસે એક ચોંકાવનારા નિર્ણયમાં ટી 20 વર્લ્ડકપનાં એક મહિના પહેલા પોતપોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (પીસીબી) સોમવારે જાહેરાત કરી હતી કે મિસ્બાહ અને વકાર રાજીનામું આપી ચૂક્યા છે અને દેશનાં ભૂતપૂર્વ ટેસ્ટ ખેલાડીઓ સકલેન મુશ્તાક અને અબ્દુલ રઝાક અત્યારે વચગાળાનાં કોચ રહેશે. આ અચાનક ફેરફારને ભૂતપૂર્વ ટેસ્ટ કેપ્ટન રમીઝ રાજાની 13 સપ્ટેમ્બરે બોર્ડનાં નવા અધ્યક્ષ તરીકે નિમણૂક સાથે જોડવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો – IND vs ENG / ઈંગ્લેન્ડને હરાવી ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને આપી માત, ટોપ પર પહોંચી ટીમ
રમીઝે પોતાની યુટ્યુબ ચેનલ પર અને કોમેન્ટેટર અને એનાલિસ્ટ તરીકે ઘણી વખત કહ્યું છે કે, તેઓ મિસ્બાહ અને વકારને પાકિસ્તાન ટીમ માટે શ્રેષ્ઠ કોચ નથી માનતા. સોમવારે જાહેર થયેલી વર્લ્ડકપ ટીમની પસંદગી પ્રક્રિયામાં રમીઝનો પ્રભાવ પણ દેખાય છે, તેમનો ઝુકાવ ટી 20 ફોર્મેટમાં યુવાન અને સરળતાથી મોટા શોટ રમી શકે તેવા ખેલાડીઓ તરફ છે. મિસ્બાહે અહીં જારી કરેલા નિવેદનમાં કહ્યું, “મારે મારા પરિવારથી દૂર બાયો-બબલ વાતાવરણમાં ઘણો સમય પસાર કરવો પડશે.” આ જોતાં, મેં આ ભૂમિકામાંથી બહાર નીકળવાનો નિર્ણય કર્યો છે. વકારે કહ્યું કે, જ્યારે મિસ્બાહે તેની સાથે પોતાનો નિર્ણય અને ભવિષ્યની યોજનાઓ શેર કરી ત્યારે તેમના માટે રાજીનામું આપવું એક સરળ નિર્ણય હતો કારણ કે બંનેએ એક જોડી તરીકે કામ કર્યું હતું અને હવે તેઓ એકસાથે ટીમમાં તેમની ભૂમિકામાંથી હટશે.
https://twitter.com/TheRealPCB/status/1434802440172449794?s=20
પીસીબીએ કહ્યું કે, સકલેન અને રઝાક ન્યૂઝીલેન્ડ સીરીઝ માટે વચગાળાનાં કોચ તરીકે ટીમ મેનેજમેન્ટ સાથે જોડાશે. મિસ્બાહ અને વકારની નિમણૂક સપ્ટેમ્બર 2019 માં કરવામાં આવી હતી અને હજુ પણ તેમના કરારમાં એક વર્ષની મુદત બાકી હતી. ન્યૂઝીલેન્ડની ટીમ 11 સપ્ટેમ્બરે ત્રણ વનડે અને પાંચ ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ રમવા માટે પાકિસ્તાન પહોંચશે. આ સીરીઝ માટે પાકિસ્તાનની ટીમ 8 સપ્ટેમ્બરે ઇસ્લામાબાદમાં પહોંચશે. પીસીબીએ કહ્યું કે, આઈસીસી મેન્સ ટી 20 વર્લ્ડ કપ માટે ટીમ મેનેજમેન્ટની નિમણૂક યોગ્ય સમયે કરવામાં આવશે. પાકિસ્તાનનાં ભૂતપૂર્વ કેપ્ટન મિસ્બાહે કહ્યું, “વેસ્ટ ઈન્ડિઝ સીરીઝ બાદ જમૈકામાં ક્વોરેન્ટિન દરમિયાન, મને છેલ્લા 24 મહિનાનાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટનાં શેડ્યૂલ તેમજ ભવિષ્ય વિશે વિચારવાની તક મળી. મેં આ ભૂમિકામાંથી બહાર નીકળવાનું નક્કી કર્યું કારણ કે મારે લાંબા સમય સુધી મારા પરિવારથી દૂર રહેવું પડશે અને તે પણ બાયો-બબલ વાતાવરણમાં.

આ પણ વાંચો – Cricket / ભારતનો આ ખેલાડી ‘ICC Player of the Month’ માટે Nominate
મિસ્બાહે કહ્યું કે, હું સમજું છું કે ટીમ છોડવાનો આ યોગ્ય સમય નથી, પરંતુ મને નથી લાગતું કે આગળ પડકારો માટે હું યોગ્ય માનસિકતા ધરાવીશ. ભૂતપૂર્વ ઝડપી બોલર વકારે કહ્યું, ‘છેલ્લા 16 મહિનાથી બાયો-બબલ વાતાવરણમાં રહેવાની અસર પડી છે. આ તે છે જે અમે અમારા રમવાના દિવસો દરમિયાન ક્યારેય અનુભવ્યું ન હોતું. આગામી આઠ મહિના ખૂબ વ્યસ્ત છે.’ પીસીબીનાં મુખ્ય કાર્યકારી વસીમ ખાને કહ્યું કે, પીસીબી મિસ્બાહનાં નિર્ણયને સમજે છે અને તેનું સન્માન કરે છે. તેમણે કહ્યું કે, બંનેએ ટીમમાં ઘણું યોગદાન આપ્યું છે. સકલેન અને રઝાક વિશે તેમણે કહ્યું કે, “બંને ભૂમિકા માટે તૈયાર છે અને ન્યૂઝીલેન્ડ સામે નોંધપાત્ર યોગદાન આપવા માટે ખૂબ જ ઉત્સુક છે. સકલેન પાકિસ્તાનનાં નેશનલ હાઇ પર્ફોર્મન્સ સેન્ટરમાં આંતરરાષ્ટ્રીય ખેલાડી વિકાસનાં વડા છે, જ્યારે રઝાકની હોમ ટીમે 2020-21 સીઝનમાં ત્રણ ટાઇટલ જીત્યા છે.
