
રાજ્ય સરકારના ગેઝેટ નોટિફિકેશનમાં જણાવાયું છે કે વિધાનસભા ભંગ થતાં રાજ્ય મંત્રીમંડળ આપમેળે અસ્તિત્વમાં રહ્યું નથી. નોટિફિકેશન પર રાજ્યના મુખ્ય સચિવ દુષ્યંત નારિયાલાના પણ હસ્તાક્ષર છે. રાજકીય રીતે મહત્વપૂર્ણ ગણાતા આ પગલાએ બંગાળના સત્તા પરિવર્તનને બંધારણીય સ્વરૂપ આપી દીધું છે.
શું છે કલમ 174(2)(b)?
ભારતીય બંધારણની કલમ 174(2)(b) રાજ્યપાલને રાજ્ય વિધાનસભા ભંગ (Bengal Assembly Dissolved)કરવાની સત્તા આપે છે. સામાન્ય રીતે રાજ્યપાલ મુખ્યમંત્રીની સલાહ પર આ નિર્ણય લે છે, પરંતુ સરકાર બહુમતી ગુમાવે અથવા રાજકીય અસ્થિરતા સર્જાય ત્યારે પણ આ કલમનો ઉપયોગ થઈ શકે છે. આ જોગવાઈ હેઠળ રાજ્યપાલ નવી સરકાર રચાય અથવા નવી ચૂંટણીઓ માટે માર્ગ મોકળો કરી શકે છે.બંધારણ મુજબ રાજ્યપાલ વિધાનસભાનું સત્ર બોલાવવા, સ્થગિત કરવા અને ભંગ કરવાની સત્તા ધરાવે છે. સાથે જ બે સત્રો વચ્ચે છ મહિનાથી વધુનું અંતર ન રહે તેની પણ ખાતરી કરવી પડે છે.
રાજીનામાના વિવાદ વચ્ચે રાજ્યપાલનો નિર્ણય

રાજકીય સૂત્રો મુજબ, મમતા બેનર્જી ચૂંટણીમાં થયેલી હાર બાદ પણ રાજીનામું આપવા તૈયાર નહોતા. તેમણે ચૂંટણી પ્રક્રિયા અને ચૂંટણી પંચની કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા હતા. જોકે, બંધારણીય પ્રક્રિયાઓ આગળ આ સ્થિતિ લાંબા સમય સુધી ટકી શકી નહીં અને અંતે રાજ્યપાલે વિધાનસભા ભંગ કરવાનો નિર્ણય લીધો.વિધાનસભાના વિસર્જન બાદ હવે રાજ્યમાં નવી સરકાર રચાય ત્યાં સુધી વહીવટી કામગીરી રાજભવનની દેખરેખ હેઠળ રહેશે. ભૂતપૂર્વ કેન્દ્રીય સચિવ જવાહર સરકારના જણાવ્યા મુજબ, આ પરિસ્થિતિ રાષ્ટ્રપતિ શાસન જેવી નથી, પરંતુ એક વચગાળાની બંધારણીય વ્યવસ્થા છે.
અમિત શાહ આજે કોલકાતા પહોંચશે
બંગાળમાં ચાલી રહેલા રાજકીય ફેરફારો વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાત્રે 10:30 વાગ્યે કોલકાતા એરપોર્ટ પહોંચવાના છે. તેમની મુલાકાતને રાજકીય રીતે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. માનવામાં આવે છે કે તેઓ નવી સરકારની રચના અને 9 મેના રોજ યોજાનારા શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓની સમીક્ષા કરશે.બંગાળમાં હવે સૌની નજર નવી સરકારના ગઠન અને આગામી રાજકીય સમીકરણો પર ટકી છે.
