પંજાબમાં જોરદાર જીત મેળવ્યા બાદ ભાવિ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માન આવતીકાલે એટલે કે સોમવારે સાંસદ પદ પરથી રાજીનામું આપશે. પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લેતા પહેલા તેમણે સાંસદ પદ પરથી રાજીનામું આપવું પડશે. જીત નોંધાવ્યા બાદ ભગવંત માન અરવિંદ કેજરીવાલને મળ્યા હતા. બંને નેતાઓની મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો. ભગવંત માનની આ સિદ્ધિની ચર્ચા દેશમાં જ નહીં વિદેશમાં પણ થઈ રહી છે.
પંજાબની રાજનીતિમાં ખળભળાટ મચાવનાર આમ આદમી પાર્ટીની સામે મોટા નેતાઓ નિષ્ફળ ગયા. ચરણજીત સિંહ ચન્ની, નવજોત સિંહ સિદ્ધુ, કેપ્ટન અમરિંદર જેવા નેતાઓ પણ પોતાની બેઠક બચાવી શક્યા નથી. ભગવંત માનની વાત કરીએ તો તેમણે ધુરી વિધાનસભા સીટ પરથી તેમના પ્રતિસ્પર્ધીને 58 હજારથી વધુ મતોના અંતરથી હરાવ્યા હતા. AAPએ 117 સભ્યોની પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં રેકોર્ડ 92 બેઠકો જીતી હતી. પરિણામ જાહેર થયા બાદ ભગવંત માન શનિવારે પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતને મળ્યા હતા. રાજ્યપાલ સાથેની બેઠકમાં તેમણે રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. હવે ભગવંત માન 16 માર્ચે નવાંશહર જિલ્લાના મહાન સ્વાતંત્ર્ય સેનાની ભગત સિંહના મૂળ ગામ ખટકર કલાન ખાતે પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.
નોંધનીય છે કે ભગવંત માન કોમેડિયનમાંથી મુખ્યમંત્રી કેવી રીતે બન્યા? ભગવંત માન રાજનીતિના ક્ષેત્રમાં પ્રવેશતા પહેલા કોમેડિયન તરીકે ઓળખાતા હતા. માન પંજાબના મનોરંજન ઉદ્યોગના જાણીતા ચહેરાઓમાંથી એક છે. તેમણે પીપલ્સ પાર્ટી ઓફ પંજાબમાંથી રાજકારણમાં પગ મૂક્યો હતો. તેણે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત મનપ્રીત સિંહ બાદલની પાર્ટી પંજાબ પીપલ્સ પાર્ટીથી કરી હતી, પરંતુ બાદમાં મનપ્રીત કોંગ્રેસમાં જોડાઈ ગયા અને તે જ સમયે ભગવંત આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા.
તેઓ 2014 સુધી પીપલ્સ પાર્ટીમાં હતા. 2014 પછી તેમણે આમ આદમી પાર્ટીની સદસ્યતા લીધી. રાજકારણમાં આવતા પહેલા તેણે ફિલ્મોમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું છે. ફિલ્મ ‘કચરી’ તેની પ્રથમ ફિલ્મ હતી, 2018 સુધી તેણે 12 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. ભગવંતનો જન્મ પંજાબના સંગરુર જિલ્લાના સતુજ ગામમાં થયો હતો. માનના પિતા શિક્ષક હતા. ભગવંત માનને પ્રાથમિક શિક્ષણ ચીમા ગામની સરકારી શાળામાંથી મેળવ્યું હતું. ભગવંત માને શહીદ ઉધમ સિંહ મહા વિદ્યાલય, સુનમમાંથી કોમર્સમાં સ્નાતક પૂર્ણ કર્યું હતું.
